ડાંગ માહિતી બ્યુરો, આહવા : ગુજરાતના ચેરાપુંજી ગણાતા વનાચ્છાદિત ડાંગ જિલ્લામા મુશળધાર વરસાદ ખાબક્યો છે.ડાંગ જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર અહીં આજે સવારે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ ૧૬૪.૨૫ મી.મી. વરસાદ વરસી ચુક્યો છે.
વિગતે જોઈએ તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આહવા તાલુકામા ૧૬૩ મી.મી. (મોસમનો કુલ ૧૭૭૪ મી.મી.), વઘઇ ખાતે ૧૨૩ મી.મી. (કુલ ૧૭૬૮ મી.મી.), સુબિર ખાતે ૧૦૩ મી.મી. (કુલ ૧૧૪૫ મી.મી.), અને ગિરિમથક સાપુતારા વિસ્તારમા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અધધ કહી શકાય એટલો ૨૬૮ મી.મી.(કુલ ૨૨૦૨ મી.મી) વરસાદ મળી જિલ્લામા સરેરાશ ૧૬૪.૨૫ મી.મી. વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લાની અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણાં, ધોધડ સહિતની નદીઓ, નાળાઓ, કોતરડા, ધોધ ગાંડાતુર બનીને વહી રહ્યા છે. જેને પગલે તંત્રે નદી કિનારાના, અને નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે.
ડાંગમા પડી રહેલા ભારે વરસાદને લઈને જિલ્લાના કંટ્રોલ રૂમ ખાતે રાતભર ચહલપહલ રહી હતી. ખુદ કલેકટર શ્રી ભાવિન પંડ્યા એ તેમના ચુનંદા અધિકારીઓ સાથે ખડેપગે રહીને લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને માર્ગદર્શીત કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામા ખાસ કરીને ચોમાસા દરમિયાન ભૂસ્ખલન સાથે તોતિંગ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બનતા હોય છે. સાથે સાથે નિચાણવાળા માર્ગો, કોઝ વે, અને પુલો ઉપર વરસાદી પાણી ફરી વળતા આવા માર્ગો યાતાયાત માટે બન્ધ થઈ જતા હોય છે. આવી સ્થિતિમા સામાન્ય યાતાયાત પ્રભાવિત ન થાય, અને જનજીવન સતત ધબકતુ રહે તે માટે ડાંગ જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે.
જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર વઘઇ તાલુકાના (૧) સૂપદહાડ-સૂર્યા બરડા રોડ, (૨) નાનાપાડા-કુમારબંધ રોડ, (૩) સુસરદા વી.એ. રોડ, (૪) આહેરડી-બોરદહાડ રોડ, (૫) ચીખલદા-ધાનગડી રોડ, (૬) ઘોડવહળ વી.એ. રોડ, (૭) આંબાપાડા વી.એ. રોડ, (૮) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (૯) ઢાઢરા વી.એ. રોડ, (૧૦) દોડીપાડા-ચીકાર ફળિયા રોડ, (૧૧) દગડીઆંબા-બરડા રોડ, (૧૨) ગોદડીયા-પાંઢરમાળ રોડ, (૧૩) માછળી થી ચીખલા-દિવદયાવન રોડ, (૧૪) વાંઝટેમ્બરૂંન-કોયલીપાડા રોડ, (૧૫) કુડકસ-કોશિમપાતળ રોડ, અને (૧૬) માનમોડી,-નિમબારપાડા રોડ, સહિત આહવા તાલુકાના (૧) બોરખલ-ગાયખસ-ચવડવેલ રોડ, (૨) સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, (૩) ભવાનદગડ-ધૂળચોન્ડ-આમસરવલણ રોડ, અને (૪) ચિકટિયા-ગાઢવી રોડ, ઉપરાંત સુબિર તાલુકાના (૧) પીપલદહાડ-જોગથવા રોડ, અને (૨) કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. જેને પગલે રાહદારીઓ, વાહન ચાલકો, અને પશુપાલકોને વૈકલ્પિક માર્ગોના ઉપયોગ માટેની અપીલ કરવામા આવી છે.
ગ્રામીણ કૃષિ મૌસમ સેવા દ્વારા જારી કરાયેલા હવામાન બુલેટિન અનુસાર આવતી કાલે પણ અહીં સરેરાશ ૬૪ મી.મી. જેટલા વરસાદ બાદ, તા.૩જી ઓક્ટોબર સુધી જિલ્લામા સરેરાશ છ મી.મી. વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામા આવી છે. દરમિયાન જિલ્લામા ૫ થી ૧૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમી પવન ફૂંકાવાની પણ સંભાવના છે. જિલ્લાના ખેડૂતોને અવારનવાર અપાતી માર્ગદર્શક સૂચનાઓને અનુસરવાનો પણ અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application