નડિયાદ નજીકથી બિલોદરા રિંગ રોડ પસાર થાય છે. આ રીંગ રોડ ઉપર આલ્ફા સ્કૂલ નજીક પુરઝડપે પસાર થતી કેમિકલ ભરેલું ટેન્કર ટ્રકમાંથી છૂટું પડી રોડ પર પલટી ગયું હતું. આ ટેન્કર રોડ ઉપરથી પસાર થતી બે રીક્ષા ટેમ્પો પર પડતા બંને વાહનોનો ભુક્કો થઈ ગયો હતો. આ અકસ્માત સર્જાતા ટેમ્પોમાં બેઠેલા ભરતભાઈ સોમાભાઈ ઝાલા (રહે.નવા બિલોદરા) તેમજ બીજી ટેમ્પીમાં ભલાભાઇ રામાભાઇ ચૌહાણ તેમજ સંજય લક્ષ્મણભાઈ તળપદા (બંને રહે.શંકરપુરા સલુણ)ને ટેમ્પીમાં ફસાઈ જતા ગંભીર ઈજા થઈ હતી.
આ બનાવની જાણ થતા આજુબાજુના લોકોએ દોડી આવી ફસાઈ ગયેલાઓને બહાર કાઢી તુરંત જ 108 મારફત સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભરતભાઈ સોમાભાઈ ઝાલાને મૃત જાહેર કર્યા હતા. અન્ય બે ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રમેશભાઈ સોમાભાઈ ઝાલાની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં દાવડા ચોકડી પરથી મુસાફરો ભરીને રીક્ષા બામરોલી તરફ જતી હતી, ત્યારે દંતાલી સીમ ભુપત તલાવડી વળાંક ઉપર ટનગ લેતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી રિક્ષામાં બેઠેલા પરેશભાઈ રામાભાઈ સોલંકી, સંજયભાઈ આશાભાઈ તેમજ રંજનબેન રાયસંગભાઈ સોલંકી (તમામ રહે.બામરોલી)ને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પરેશભાઈ રામાભાઈ સોલંકીની ફરિયાદ આધારે વસો પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500