તમિલનાડુનાં દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા બે દિવસમાં ઈતિહાસનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યાની માહિતી મળી રહી છે. સામાન્ય જનજીવન લગભગ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. પૂરની ભયંકર સ્થિતિને પગલે દરેક જગ્યાએ પાણી જ પાણી થઈ ગયું છે. એક અહેવાલ અનુસાર મુખ્ય સચિવ શિવદાસ મીણાએ કહ્યું હતું કે, દક્ષિણનાં જિલ્લાઓ, ખાસ કરીને તિરુનેલવેલી અને તુતિકોરીનમાં રેકોર્ડ વરસાદ બાદ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. લગભગ 30 કલાકના સમયગાળામાં કયલપટ્ટિનમમાં 1,186 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે તિરુચેન્દુરમાં 921 મીમી વરસાદ નોંધાયો હતો.
તેમણે કહ્યું કે, તમામ 10 મૃત્યુ આ બે જિલ્લામાં થયા છે. કેટલાકે દીવાલ ધરાશાયી થવાને કારણે જીવ ગુમાવ્યો હતો જ્યારે કેટલાકના મોત વીજકરંટને કારણે થયા હોવાની માહિતી મળી રહી છે. મીનાએ કહ્યું કે નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ. સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓના લગભગ 1,343 કર્મચારીઓ બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અમે 160 રાહત કેમ્પની સ્થાપના કરી છે. આ રાહત કેમ્પમાં લગભગ 17,000 લોકોને રાખવામાં આવ્યા છે. અમે હજુ પણ કેટલાક ગામો સુધી પહોંચી શક્યા નથી કારણ કે, ત્યાં પાણીનું સ્તર હજુ ઘટ્યું નથી. સચિવે કહ્યું કે રાહત કાર્યમાં નવ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે અને તેની મદદથી ફસાયેલા લોકો સુધી 13,500 કિલો ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500