હિમાચલ પ્રદેશના નીચા પર્વતીય વિસ્તારોમાં જારી શીતલહેરને પગલે સ્થાનિક હવામાન વિભાગને બિલાસપુર,ઉના, હમીરપુર અને મંડી જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવાની ફરજ પડી હતી. બીજી તરફ કાશ્મીરનાં મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે નોંધવામાં આવ્યું હતું. જો કે રાતના તાપમાનમાં ઘટાડો થતાં લોકોને કંઇક અંશે રાહત મળી હતી. હિમાચલ પ્રદેશમાં માઇનસ ૧૧.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે તાબો સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. સુમડોમાં માઇનસ ૫.૩, કુસુમસેરીમાં માઇનસ ૪.૮ અને કાલપામાં માઇનસ ૧.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
ગાઢ ધુમ્મસને પગલે હવામાન વિભાગે ૨૪થી ૨૬ ડિસેમ્બર માટે ભાકરા ડેમના સંરક્ષિત વિસ્તાર અને મંડીના બાલ્હ ખીણમાં યલો એલર્ટ જારી કરવામાં આવી છે. પર્વતીય વિસ્તારોમાં પાણીની પાઇપ, નદીઓ અને તળાવોમાં બરફ જામી ગયો છે. જેના કારણે હાઇડ્રો પાવર જનરેશનને પણ ગંભીર અસર થઇ છે. જમ્મુ-કાશ્મીરમાં પણ તીવ્ર ઠંડીને કારણે પાણીની પાઇપોમાં બરફ જામી ગયો છે. તળાવો અને નદીઓમાં પણ બરફનું પાતળું સ્તર જામી ગયું છે. શ્રીનગરમાં લઘુતમ તાપમાન ૪.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. કોનિબલમાં ખીણનું સૌથી ઓછું માઇનસ ૬.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
રાજસ્થાનમાં પણ ઠંડીનું મોજું યથાવત રહ્યું છે. કરૌલી ૪.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. બીજી બાજુ કાંતિલ ઠંડી વચ્ચે કાશ્મીરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જતાં રહેવાસી ઠંડીથી બચવા માટે જૂના ઉપાયો તરફ પરત ફરી રહ્યાં છે. આ જૂના ઉપાયોમાં લાકડીઓથી બનેલુ હમામ, બુખારી અને વિકર માટીના વાસણ કાંગડીનો સમાવેશ થાય છે. શ્રીનગરની ગુલબહાર કોલોનીના રહેવાસી યાસીર અહેમદના જણાવ્યા અનુસાર દરરોજ ૧૨ કલાક વીજ પુરવઠો ખોરવાઇ જતાં અમને કાંગડીની તરફ પાછા ફરવું પડયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500