Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આસામનાં એક સર્ચ ઓપરેશન દરમિયાન ૭૧ કરોડ રૂપિયાનું હેરોઇન અને પ્રતિબંધિત યાબા ટેબલેટ જપ્ત કરાયું

  • April 19, 2025 

આસામનાં કામરૂપ જિલ્લામાં એક સર્ચ ઓપરેશન દરમિયાન ૭૧ કરોડ રૂપિયાનું હેરોઇન અને પ્રતિબંધિત યાબા ટેબલેટ જપ્ત કરવામાં આવી છે અને આ સંબધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ચોક્કસ બાતમીને આધારે આસામ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ અમિનગાવ વિસ્તારમાં એક ઓપરેશન શરૃ કર્યુ હતું.


આ ઓપરેશનમાં બાજુના રાજ્યમાંથી આવેલા બે વાહનોને રોકવામાં આવ્યા હતાં. તપાસ દરમિયાન પોલીસને આ બંને વાહનોમાંથી ૨,૭૦,૦૦૦ યાબા ટેબલેટ અને સાબુના ૪૦ બોક્સમાં છુપાવેલુ ૫૨૦ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. યાબા ટેબલેટ ક્રેઝી ડ્રગ તરીકે પણ ઓળખાય છે. ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણકે તેમાં મેથામ્ફેટામાઇન હોય છે. પોલીસના જણાવ્યા અનુસાર પકડવામાં આવેલા બે લોકો બાજુના રાજ્યમાંથીઆ ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરવામાં આવેલા યાબા ટેબલેટનું બજાર મૂલ્ય ૬૭ કરોડ રૂપિયા અને હેરોઇનનું મૂલ્ય ચાર કરોડ રૃપિયા આંકવામાં આવ્યું છે. આ સર્ચ ઓપરેશનનું નેતૃત્ત્વ એસટીએફના વડા પાર્થસારથી મહાંતાએ કર્યુ હતું. તેમને આ ઓપરેશનમાં એડિશનલ એસપી કલ્યાણ પાઠકે પણ મદદ કરી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે વધુ તપાસ ચાલુ છે અને કાયદાકીય કાર્યવાહી શરૃ કરી દેવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application