નિષ્ફળ સંબંધોનું પ્રમાણ વધી રહ્યું છે તેની સાથે ક્રિમિનલ કાયદાઓનો દુરૂપયોગ પણ વધ્યો છે તેવું અવલોકન અલ્લાહાબાદ હાઇકોર્ટે કર્યું હતું. હાઇકોર્ટના ન્યાયાધીશ કૃષ્ણ પહલે ૪૨ વર્ષીય અરૂણ કુમાર મિશ્રાની જામીન અરજીનો સ્વીકાર કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. ૪૨ વર્ષના પરણિત અરુણ પર ૨૫ વર્ષીય યુવતીએ રેપનો આરોપ લગાવ્યો હતો. હાઇકોર્ટો નોંધ્યું હતું કે, ફરિયાદી યુવતીને ખ્યાલ હતો કે આરોપી ત્રણ વખત લગ્ન કરી ચુક્યો છે. તેમ છતા તેની સાથે સંબંધ બનાવ્યા. આ મામલો સમાજમાં થઇ રહેલા બદલાવને દર્શાવી રહ્યો છે.
જેમાં અંગત સંબંધોની પવિત્રતા અને ગંભીરતામાં ભારે ગિરાવટ આવી છે. જ્યારે આવા સંબંધો ખરાબ થવા લાગે છે ત્યારે ક્રિમિનલ કાયદાઓનો દુરૂપયોગ થાય છે. તમામ હકીકતોમાં વિલંબ, બન્ને પક્ષોની દલીલો અને મહિલાની યોગ્યતાને જોઇને હાઇકોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા હતા. હાઇકોર્ટે સાથે એ પણ નોંધ લીધી હતી કે એફઆઇઆર છ મહિનાના વિલંબ બાદ દાખલ કરવામાં આવી, આ કોઇ ગુનાહિત અપરાધના બદલે અસફળ સંબંધોના ભાવનાત્મક પરિણામોનું પ્રતીક લાગે છે.
જામીન અરજીમાં આરોપી પક્ષે દાવો કર્યો છે કે બન્ને વચ્ચે સહમતિથી સંબંધ બંધાયા હતા. બન્ને સાથે હર્યાફર્યા ટ્રાવેલિંગ કર્યું અને હોટેલમાં પણ સાથે રોકાયા હતા, જ્યારે ફરિયાદી પક્ષનો દાવો છે કે આરોપી એક એવો પુરુષ છે જે મહિલાઓને ફસાવીને તેની સાથે સંબંધો બાંધે છે. આ મામલામાં ૪૨ વર્ષના પુરુષ સામે ૨૫ વર્ષીય યુવતીએ રેપની ફરિયાદ કરી છે, જે બાદ ગયા વર્ષે આરોપીની ધરપકડ કરાઇ હતી. યુવતીનો દાવો છે કે મારી સાથે સંબંધો બાંધ્યા તેને રેકોર્ડ કર્યું અને બાદમાં બ્લેકમેલ કરવા લાગ્યો. હાઇકોર્ટે નોંધ્યું હતું કે આરોપી પરણિત હોવાનો પીડિતાને ખ્યાલ હતો, સંબંધો તુટયા બાદ ભાવનાઓમાં આવીને ફરિયાદ દાખલ થયાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500