રાજ્ય સરકાર દ્વારા તારીખ 18મી નવેમ્બરના રોજ કુલ 9000 પૈકી આશરે 6300 TRB જવાનોને નોકરીમાંથી છુટ્ટા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર TRB જવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જયારે આજે અમદાવાદ અને સુરતમાં TRB જવાનો લડી લેવાના મૂડમાં દેખાયા છે. બંને શહેરોના TRB જવાનો ભેગા થઇને કલેક્ટર કચેરી પહોંચ્યા છે. નોંધનીય છે કે, સુરતમા પણ મોટી સંખ્યામાં એકઠા થયેલા TRB જવાનોએ સરકારના નિર્ણય સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો. વર્ષોથી માનદ સેવા આપી રહેલા ટીઆરબી જવાનોને એકાએક છૂટા કરવાના સરકારના નિર્ણય સામે કાયદાકીય રીતે લડત આપવામાં મૂડમાં આવી ગયા છે. આજે અમદાવાદમાં મોટી સંખ્યામાં TRB જવાનો એકત્ર થયા છે.
આ જવાનો રાજ્ય પોલીસ વડાને આ પરિપત્ર પરત ખેંચે તેવી રજૂઆત કરી છે. આજે અમદાવાદમાં TRB જવાનો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની આગેવાનીમાં કલેક્ટર કચેરી પહોંચ્યા છે. અહીં આ જવાનો પોતોનો વિરોધ નોંધાવી રહ્યા છે. સુરતમાં મોટી સંખ્યામાં 1600 જેટલા TRB જવાનો એકઠા થયા છે. આ જવાનો ભેગા થઇને આવેદન પત્ર આપશે. જયારે ગતરોજ પણ સુરતના ભટાર સ્થિત ઈશ્વર ફાર્મમાં મોટી સંખ્યામાં TRB જવાનો એકઠાં થયા હતા અને આગેવાનોની ઉપસ્થિતિમાં એક ચોક્કસ રણનીતિ તૈયાર કરી હતી. આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઓબીસી સેલના મહામંત્રી કલ્પેશ બારોટે જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયને લઈ હજારો TRB જવાનો બેરોજગાર થઈ જવાની ભીતિ છે. સરકારના એકાએક નિર્ણયને લઈ TRBના જવાનોની ચિંતા વધી છે. ઓછું મહેનતાણું આપવા છતાં બંદોબસ્ત સહિતની કામગીરી ટીઆરબી જવાનો દ્વારા બજાવવામાં આવે છે.
સુરતના એક ટીઆરબી જવાને પોતાની વ્યથા કહેતા જણાવ્યુ કે, ‘જે પણ લોકો અહીં નોકરી કરવા આવે છે તેઓ પહેલા તો પગાર વધારવાની માંગ કરી હતી. સરકારે પગાર તો વધાર્યો નથી પરંતુ આટલી મોટી સંખ્યામાં જવાનોને નોકરીમાંથી કાઢી મુક્યા છે. જેથી આ લોકો તેમના પરિવારનું ભરણપોષણ કઇ રીતે કરશે અને ગુજરાન કઇ રીતે ચલાવશે તે પણ વિચારવું જોઇએ. સરકાર આ પરિપત્ર પાછો ખેંચે નહીં તો ભવિષ્યમાં અમે વધુ કાર્યક્રમો કરીશું.’ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના ઓબીસી સેલના મહામંત્રી અને કોંગ્રેસના લીગલ સેલના નેજા હેઠળ સરકારના પરિપત્રને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવા તૈયારી દર્શાવી છે.
સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા TRB જવાનોએ સરકારના નિર્ણય સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો અને તાકીદે સરકાર પરિપત્ર રદ કરે તેવી માંગ કરી હતી. કોંગ્રેસના લીગલ સેલ દ્વારા સરકારના આ પરિપત્રને ગેરબંધારણીય ગણાવ્યું હતું. રાજ્યના પોલીસ વડા દ્વારા સરકારના આદેશોના પગલે પરીપત્ર બહાર પાડી રાજ્યમાં માનદ સેવા તરીકે વર્ષોથી ફરજ બજાવી રહેલા 6 હજારથી વધુ TRBના જવાનોને છૂટા કરી નવી ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની સામે TRB જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારના આ પરિપત્ર સામે રોષ વ્યક્ત કરતા સુરતના TRB જવાનોએ આંદોલનના મંડાણ કર્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઓબીસી સેલના મહામંત્રી કલ્પેશ બારોટ અને કોંગ્રેસના લીગલ સેલના પ્રમુખ ઝમીર શેખની આગેવાની હેઠળ સરકારના પરિપત્રને હાઇકોર્ટમાં પડકારવા તૈયારી દર્શાવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500