Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માણેકપોર ટંકોલી ગામે તવડી-સાગરા રોડ પર મધમાખીનાં ઝુંડનો વાહન ચાલકો પર હુમલો

  • December 03, 2024 

નવસારીનાં જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલી તવડી સાગરા રોડ પર સવારે છંછેડાયેલા મધમાખીના ઝુંડે રસ્તે પસાર થતા વાહન ચાલકો પર હુમલો કરતા અફરા તફરી મચી ગઇ હતી. સાતથી વધુ લોકોને અસંખ્ય ડંખ મારતાં નજીકના ખાનગી દવાખાનામાં સારવાર લેવાની નોબત આવી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારી નજીક જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલી ગામે તવડી સાગરા રોડ પર આજે સવારે રસ્તાની બાજુમાં ઝાડી ઝાંખરામાં રહેલા મધમાખીના પૂડાને કોઈ પક્ષીએ છંછેડતા મધમાખીના ઝુંડે વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા અનેક વાહન ચાલકોને એક પછી એક નિશાન બનાવ્યા હતા.


જેમાં સવારે દૂધ ભરવા માટે બાઈક પર જઈ રહેલા આકાશ મહેશભાઈ પટેલ અને યતીન રણજીતભાઇ પટેલ પર મધમાખી તૂટી પડી હતી. તેઓ પોતાના બચાવ માટે પુરપાટ ઝડપે બાઈક હંકારી મુકતા માંડ બચાવ થયો હતો. ત્યારબાદ નોકરી પર જઈ રહેલા નિલેશ ગોપાલભાઈ પટેલ પર મધમાખીના ઝુંડે હુમલો કરતા નિલેશ પુરપાટ ઝડપે આગળ દોડ મૂકતા પાચેક ડંખ વાગ્યા હતા. પરંતુ તેમની પાછળ જ માણેકપોર ટંકોલી ગામના જયેશભાઈ બાબુભાઈ પટેલ તેમની દીકરી નિયતી પટેલને મોપેડ પર સ્કૂલ મૂકવા માટે જઈ રહ્યા હતા. તે વખતે અચાનક મધમાખીનું ઝુંડે તેમના પર હુમલો કરતા જયેશને અસંખ્ય ડંખ માર્યા હતા.


આથી તેઓ રસ્તા પર ગાડી મૂકીને જીવ બચાવવા ટી શર્ટ કાઢી નાખી ભાગ્યા હતા.આ જોઈ મુખ્ય રસ્તા પર વાહન ચાલકોમાં થોડા સમય માટે અફરા તફરી મચી ગઇ હતી. મધમાખીના હુમલામાં ઇજાગ્રસ્ત જયેશ પટેલ તેમની દીકરી નિયતી અને નિલેશ પટેલને ખાનગી દવાખાનામાં સારવાર લેવી પડી હતી. ત્યારબાદ નોનવેજની શોપમાં કામ કરતા યુવાન ઉપર અને અન્ય એક સાયકલ સવાર શ્રમજીવી ઉપર પણ મધમાખીએ હુમલો કરતા તેમને પણ ખાનગી દવખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application