સુરતના વેસુ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. અહીં, વ્રજભૂમિ બંગ્લોઝમાં રહેતા નિવૃત્ત મામલતદારના ઘરે બે મહિલા ઘરઘાટી તરીકે આવી હતી. જો કે, કામના પહેલા જ દિવસે બંને મહિલા ઘરમાંથી સાફ-સફાઈનું કામ કરી આશરે કિંમત 7.80 લાખના 20 તોલા સોનાના દાગીના લઈ ફરાર થઈ છે. હાથફેરો કરી ફરાર થતી આ બંને મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે વેસુ પોલીસે બંને મહિલા સામે ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે.
ઘર કામની શોધમાં આવી, પહેલા જ દિવસે ચોરી કરી ફરાર થઈ
માહિતી મુજબ, વેસુ વિસ્તારમાં આવેલા વ્રજભૂમિ બંગ્લોઝમાં નિવૃત્ત મામલતદાર વસંત પટેલ (ઉં.43) પરિવાર સાથે રહે છે. દરમિયાન સવારના અરસામાં બે મહિલાઓ કામની શોધ સાથે તેમના ઘરે આવી હતી. આ મહિલાઓએ વસંતભાઇની પત્ની જયાબેન સાથે વાત કરી હતી અને પોતાનું નામ ગીતા અને પૂનમ જણાવ્યું હતું. બંને મહિલાઓએ ઘરનું બધુ કામ કરવાની અને સાફ-સફાઈ સાથે સારું કામ કરી આપવાની ખાતરી આપી હતી. જો કે, પરિચય લઈ જયાબેને બંને મહિલાઓને ઘર કામ માટે રાખી હતી. પરંતુ, કામના પહેલા જ દિવસે બંને મહિલાઓએ ઘરની સાફ-સફાઈ દરમિયાન સોનાના દાગીનાની ચોરી કરી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.
સીસીટીવીમાં ફરાર બંને મહિલા કેદ થઈ
દરમિયાન જયાબેને બેડરૂમમાં કબાટ ખોલી ચેક કરતા તેમાંથી સોનાનું પેન્ડલ, ચેઇન, બંગડી, વીંટી, મંગળસૂત્ર, બુટ્ટી અને મોતીની માળી સહિત કુલ 20 તોલા સોનાના દાગીના (કિંમત અંદાજે રૂ.7.80 લાખ) ગાયબ હતા. આથી પરિવારે વેસૂ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં બે મહિલા ઘરકામ બાદ ત્યાંથી ફરાર થતી નજરે પડે છે. આથી પોલીસે સીસીટીવીના આધારે બંને મહિલાની શોધખોળ આદરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500