સુરત એ ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. જો કે, હવે શહેર તેની સાચી ઓળખ ગુમાવીને ક્રાઇમ સિટી તરીકે નવી ઓળખ અપનાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાંથી લૂંટ હત્યા,ચોરી સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓ છાશવારે સામે આવતી હોય છે. ત્યારે હવે વધુ એક ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ,મંગળવારે ધોળા દિવસે સુરતના લિંબાયત વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે. બેંક ઓફ બરોડાના ગ્રાહક સેન્ટરમાં બેથી ત્રણ ઇસમો આવ્યા હતા અને અઢીથી ત્રણ લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ લુટારુઓ બાઇક પર આવ્યા હોવાની માહિતી છે. સાથે જ લુટારુઓએ ફાયરિંગ પણ કર્યું હોવાની જાણ થઈ છે. જો કે, ચોરીના બનાવ અંગે જાણ થતા લિંબાયત પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
ઘટના સ્થળ પરથી બે કારતૂસ પણ મળ્યા
મીડિયા અહેવાલ મુજબ,પોલીસ તપાસમાં ઘટના સ્થળ પરથી બે કારતૂસ પણ મળી આવ્યા છે. આ ઘટનામાં જાનહાનિના સમાચાર નથી. પરંતુ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે પોલીસની પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલ થઈ રહ્યા છે. ધોળા દિવસે કોઈ પણ ડર વિના બેફામ બની લુટારુઓ ચોરી કરી ફરાર થઈ જાય છે છતાં પણ પોલીસ કશું કરી નથી શકતી એવા આરોપ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500