Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Surat : બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં રૂ.13.26 લાખની લૂંટ કરનાર પાંચ લૂંટારુઓ પૈકી ચાર ઝડપાયા

  • August 19, 2023 

સુરતના સચીનના વાંઝ સ્થિત બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં અઠવાડીયા અગાઉ રૂ.13.26 લાખની લૂંટ કરનાર પાંચ લૂંટારુઓ પૈકી મુખ્ય સૂત્રધાર ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર સહિત ચારને ક્રાઈમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશના રાયબરેલી અને અમેઠીથી ઝડપી પાડી તેમણે બેંકમાં જમા કરાવેલા રોકડા રૂ.1 લાખ સહિત રૂ.2.13 લાખ, પિસ્તોલ, મોબાઈલ ફોન મળી કુલ રૂ.2.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.



ગ્રાહકોને રિવોલ્વર બતાવી બાથરૂમમાં ગોંધી ગણતરીની મિનિટોમાં રૂ.13.26 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સચીનના વાંઝ સ્થિત બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ગત 11 મી ની બપોરે હેલ્મેટ અને બુકાની પહેરી બે બાઈક પર આવેલા પાંચ લૂંટારુઓ બેન્કમાં હાજર સ્ટાફ અને ગ્રાહકોને રિવોલ્વર બતાવી બાથરૂમમાં ગોંધી ગણતરીની મિનિટોમાં રૂ.13.26 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.લૂંટની જાણ થતા દોડી ગયેલી સચીન પોલીસ સાથે તપાસમાં જોડાયેલી ક્રાઈમ બ્રાન્ચે બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી તેમનું પગેરું શોધતા ઉત્તરપ્રદેશ પહોંચી રાયબરેલી અને અમેઠીમાંથી મુખ્ય સૂત્રધાર ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર વિપીનસિંગ સોમેન્દ્રસીંગ ઠાકુર રહે.ચોકી ગામ, જી.અમેઠી, ઉત્તરપ્રદેશ,અરબાજખાન શાનમહંમદ ગુજર રહે.આશરાપુર, જી.અમેઠી, ઉત્તરપ્રદેશ ,અનુજપ્રતાપસિંગ ધરમરાજસિંગ ઠાકુર , રહે.જેનાપુર, જી.અમેઠી, ઉત્તરપ્રદેશ  અને ફુરકાન અહેમદ મોહંમદ સેફ ગુજર  રહે.પુરેચંદઈ, જી.અમેઠી, ઉત્તરપ્રદેશ ને ઝડપી લીધા હતા.



ચાર રીઢા ગુનેગારોને સુરત બોલાવી લૂંટની યોજનાને અંજામ આપ્યો હતો

ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેથી પિસ્તોલ, બે રાઉન્ડ, વિપીનસિંગે તીલ્લોઈની પંજાબ નેશનલ બેંકમાં જમા કરાવેલા રોકડા રૂ.1 લાખ ઉપરાંત રોકડા રૂ.1.13 લાખ, મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.2,58,900 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં હત્યાનો પ્રયાસ, ધાડ, લૂંટ, આર્મ્સ એક્ટ, વાહનચોરી, ચીલઝડપ જેવા 32 ગુનામાં ઝડપાયેલો મુખ્ય સૂત્રધાર વિપીનસિંગ દોઢ વર્ષ અગાઉ જેલમાંથી છૂટ્યો હતો.સાડી વેચાણનો પણ છૂટક ધંધો કરતો વિપીનસિંગ અવારનવાર સુરત આવતો હતો.આથી તે સુરતની ભૌગોલીક પરિસ્થિતિથી વાકેફ હોય પોતાની સાથે અગાઉ લૂંટ અને આર્મ્સ એક્ટમાં ઝડપાયેલા ચાર રીઢા ગુનેગારોને સુરત બોલાવી લૂંટની યોજનાને અંજામ આપ્યો હતો.


રીક્ષામાં અલગ અલગ કડોદરા પહોંચ્યા હતા અને ત્યાંથી અલગ અલગ રીતે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા

તેઓ પલસાણા ખાતે ઓળખીતાને ત્યાં રોકાયા હતા અને સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની બે બાઈક પર ફરી રેકી કરતા હતા.તે દરમિયાન બેંક ગ્રામ્ય વિસ્તારમાં હોય અને બેંકમાં કોઈ વોચમેન નહીં હોય ત્યાં લૂંટ કરવાનું નક્કી કરી ત્રણથી ચાર દિવસ રેકી કર્યા બાદ ગત ગુરુવારે 10 મી એ બપોરે લૂંટ માટે ગયા હતા.પરંતુ તે સમયે બહાર અવરજવર વધુ હોય યોજના અમલમાં મૂકી નહોતી અને બીજા દિવસે અંજામ આપી ચોરીની બાઈક આમેના હોસ્પિટલના પાર્કીંગમાં મૂકી અને પિસ્તોલ પણ ત્યાં જ સંતાડી તેઓ રીક્ષામાં અલગ અલગ કડોદરા પહોંચ્યા હતા અને ત્યાંથી અલગ અલગ રીતે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા.પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે લૂંટારુઓએ મોટાભાગની રકમ ખર્ચી નાખી છે અને તેમની પાસેથી બીજી રકમ કબજે કરવા અને હજુ પકડવાના બાકી અન્ય લૂંટારુ પાસે અન્ય રકમ હોવાની આશંકાને પગલે ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે.

વિપીનસિંગ છેલ્લા એક વર્ષથી સુરતમાં લૂંટની યોજના બનાવતો હતો

ગેંગસ્ટર વિપીનસિંગ સાડીનો પણ વેપાર કરતો હોય અવારનવાર સુરત આવતો હોવાથી તેણે વર્ષ અગાઉ પણ સુરતમાં લૂંટની યોજના બનાવી હતી.તે માટે તેણે વર્ષ અગાઉ ભેસ્તાન વિસ્તારમાંથી બાઈકની ચોરી કરી હતી અને તેના ઉપર એકલા ફરી ઘોડદોડ રોડની જુદીજુદી જવેલર્સ શોપમાં રેકી કરી હતી.જોકે, વિસ્તાર ભીડભાડવાળો હોય તેણે યોજના અમલમાં મૂકી નહોતી.ઉત્તરપ્રદેશમાં 32 ગુનાઓમાં ઝડપાયેલો વિપીનસિંગ સમયાંતરે સુરત આવતો હતો અને હાલમાં તેણે ગત ત્રીજીના રોજ તેના ચાર સાગરીતોને બોલાવી લૂંટની યોજનાને અંજામ આપ્યો હતો.



બેંકો સુરક્ષાના મામલે બેદરકાર રહે નહીં : પોલીસ કમિશનર

વાંઝની બેંક ઓફ મહારાષ્ટ્રમાં કોઈ વોચમેન નહીં હોય વિપીનસિંગે ત્યાં લૂંટ કરવાની યોજના બનાવી હતી.પોલીસ કમિશનરે આ બાબતનો ઉલ્લેખ કરતા બેંકોને ટકોર કરી હતી કે તેઓ સુરક્ષાના મામલે બેદરકાર રહે નહીં.સુરતમાં જેવી રીતે દેશભરમાંથી લોકો વેપાર માટે સુરત આવે છે તેમ ગુનેગારો પણ આવે છે.આથી બેંકો સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા રાખે.તેમણે ઉમેર્યું હતું કે આગામી તહેવારોને ધ્યાનમાં લઈ પોલીસ બેંક, જવેલર્સ, આંગડીયા પેઢીના સંચાલકો સાથે સુરક્ષા અંગે મિટિંગ કરશે.

આ વર્ષે લૂંટ અને ધાડના તમામ ગુનાનો ભેદ ઉકેલાયો : ગુનાનું પ્રમાણ 43% ઓછું


પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરત શહેરમાં આ વર્ષે લૂંટ અને ધાડના જેટલા બનાવો બન્યા છે તે તમામ બનાવોનો ભેદ સુરત પોલીસે ઉકેલ્યો છે.એટલું જ નહીં ગત વર્ષ કરતા આ વર્ષે ધાડ-લૂંટના બનાવોનું પ્રમાણ 43% ઓછું છે. ગેંગસ્ટર વિપીનસિંગ અને અન્ય ત્રણ રીઢા લૂંટારૂઓને ઉત્તરપ્રદેશમાંથી હિંમતભેર પકડી લાવી બેંક રોબરીનો ભેદ ઉકેલનાર ક્રાઈમ બ્રાન્ચની ટીમને પોલીસ કમિશનરે રૂ.1 લાખનું ઈનામ જાહેર કર્યું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application