સુરતમાં રખડતા કુતરા આક્રમક બન્યા છે અને બાળકો પર હુમલા અટકવાનું નામ લેતા નથી. શહેરના જુદા જુદા વિસ્તારમાં ત્રણ બાળકો પર કુતરાએ હુમલો કરી બચકા ભર્યા ના બનાવ બન્યા છે. કુતરાએ બચકા ભરતા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ બાદ વાલીઓમાં ભયનો માહોલ છે અને પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામા આવ્યો છે.
સુરતમાં છેલ્લા ઘણા વખતથી રખડતા કૂતરા નો ત્રાસ વધી રહ્યો છે રખડતા કુતરાઓ બાળકો પર હુમલો કરી રહ્યાં છે આવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. કુતરા દ્વારા બાળકો પર હુમલામાં બે બાળકોના મોત પણ ભૂતકાળમાં થયાં છે. આવા બનાવ બાદ પાલિકા તંત્રએ કુતરાના ખસીકરણ અને રસીકરણ ની કામગીરી આક્રમક બનાવી છે.જોકે, પાલિકાની આવી કામગીરી છતાં પણ રખડતા કુતરાના હુમલાઓ અટકવાનું નામ લેતા નથી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળક રમતો હતો ત્યારે અચાનક કુતરાએ હુમલો કરીને મોઢાના ભાગે બચકા ભર્યા હતા. જ્યારે બીજા બનાવમાં મજુરા વિસ્તાર અને ભટાર વિસ્તારમાં બાળકો રમતા હતા તેના પર પણ રખડતા કુતરા એ હુમલો કરતા બાળકોને ઈજા પહોંચી છે. આવા બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. થોડા દિવસના વિરામ બાદ ફરીથી રખડતા કુતરાના બાળકો પર હુમલા વધતાં વાલીઓમાં ગભરાટનો માહોલ છે અને પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500