સુરતમાં બેંક ઓફ ઈન્ડીયાની ઉધના શાખામાં ખાતું ધરાવતા ફરિયાદીના ચેકમાં સહીમાં તફાવત આવતો હોવાનું કારણ આપીને ચેક રીટર્નના ચાર્જ પેટે રૂ.100 કાપી લેનાર બેંકની ગ્રાહક સેવામાં ખામી સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા સભ્ય ડૉ.તિર્થેશ મહેતાએ ફરિયાદીને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત રૂ.98643 તથા હાલાકી-અરજી ખર્ચ પેટે કુલ રૂ.13 હજાર ચુકવવા હુકમ કર્યો છે.
સુરત શહેરના અડાજણ ખાતે મહેરનગર સોસાયટીમાં રહેતા ફરિયાદી નરેશ ઠાકોરદાસ માંડલેવાલા બેંક ઓફ ઈન્ડીયાની ઉધના શાખામાં ખાતું ધરાવતા હતા.ફરિયાદીએ ડીસેમ્બર-2013માં ઉધાર ખરીદેલા રૂ.98643ની કિંમતના કેમીકલ્સના પેમેન્ટ પેટે આપેલા ચેક સહી ડીફર હોવાના કારણે રીટર્ન થયા હતા.ફરિયાદીના ખાતામાં પુરતા ભંડોળ હોવા છતાં રીટર્ન થયેલા ચેકના ચાર્જ પેટે બેંકે રૂ.100 ચાર્જ લીધો હતો.જેથી ફરિયાદીએ તેમના વેપારીને 98,643 આરટીજીએસથી ચુકવી દીધા હતા.ત્યારબાદ બેંક દ્વારા તા.11-9-2017ના રોજ ફરિયાદી ના ખાતામાંથી રૂ.98,643 કોઈપણ જાતના વાજબી કારણ વિના કાપી લીધા હતા.
જેથી ફરિયાદીએ બેંક મેનેજરને ભૂલથી કપાત કર્યાનું જણાવ્યું હતુ.પરંતુ મેનેજરે ઉધ્ધતાઈથી જણાવ્યું હતું કે ચેક રીટર્ન વખતે ઓછી રકમ વસુલ કરી હોઈ પેનલ્ટી રૂપે રકમ ભુલથી નહીં પરંતુ સમજી વિચારીને કાપી છે.જેથી ફરિયાદી નરેશ માંડલેવાલાએ કુ.મોના કપુર મારફતે બેંકની ગ્રાહક સેવામાં ક્ષતિ બદલ વ્યાજ સહિત કપાત કરેલી રકમ વસુલ અપાવવા ધા નાખી હતી.જેની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે બેકે ક્યા કાયદા હેઠળ કપાત કરી છે તે અંગે કોઈ કાયદો કે નિયમની સ્પષ્ટતા કરી નથી.જેને ગ્રાહક કોર્ટે માન્ય રાખી ફરિયાદીના ખાતામાંથી ખોટી રીતે કાપી લીધેલી ઉપરોક્ત રકમ વ્યાજ સહિત ચુકવી આપવા બેંકને હુુકમ કર્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે બેંક કોઈપણ જાતના કારણ કે ઓથોરીટીના હુકમ વગર ખાતેદારના ખાતામાંથી કરેલી કપાત અનફેર ટ્રેડ પ્રેકટીશ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500