મહિલાઓ પોતાના હકો વિશે જાણીને લડી શકે એવા હેતુથી માનવ અધિકાર દિવસ નિમિત્તે "એક સોચ" સામાજિક સંસ્થા દ્વારા લીંબાયત વિસ્તારમાં આવેલા ગુર્જર ભવન ખાતે મહિલાઓને એમના હક, અધિકાર પ્રત્યે જાગૃત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લિંબાયતના ધારાસભ્યશ્રીમતિ સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે , મહિલાઓને પોતાના હકો માટે આગળ આવવાની જરૂર છે પોતાના પર થતા અત્યાચારોને સામે નિર્ભિક બનીને પ્રતિકાર કરવો જરૂરી છે, સ્ત્રીઓમાં અપાર શક્તિ પડેલી હોય છે શક્તિને બહાર લાવી પોતાના હકો માટે ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. કોવિડની મહામારીમાં મહિલાઓએ પોતાના આરોગ્ય રક્ષણ માટે સામાજિક અંતર સાથે માસ્ક ફરજિયાત પણ પહેરવાની હિમાયત પણ તેમણે આ પ્રસંગે કરી હતી.
આ વેળાએ એક સોચ સંસ્થાના પ્રમુખ રિતુબેન રાઠીએ મહિલા અધિકાર વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, “ માનવ અધિકાર' શબ્દનો અર્થ સમજતા પહેલા અધિકાર શબ્દને સમજવો ખુબ જ જરૂરી છે. અધિકાર એટલે માનવીનું હિત છે કે જે કાયદા દ્વારા સુરક્ષીત રાખવામાં આવેલું છે. મનુષ્યનો જન્મ થતાં જ માનવ તરીકે તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે છે. જે અધિકારો કોઇ છીનવી શકતું નથી. આવા અધિકારો માનવ અધિકારો તરીકે ઓળખાય છે અને આ અધિકારોને વિશ્વવ્યાપી અધિકારો તરીકેની સ્વીકૃતિ મળેલી છે. જેમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ, ઉંમર, જન્મસ્થાન તેમ જ સામાજિક કે આર્થિક ભેદભાવ હોતો નથી. જેથી મહિલાઓ એ પોતાના હકો જાણવા જરૂરી હોવાનું કહીને મહિલાઓના અધિકારીઓ વિશે વિસ્તૃત સમજ આપી હતી.
ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા હેલ્થ વિશે માહિતગાર કરતા જણાવ્યું હતું કે “ કોવિડની મહામારી સામે આપણે ફાઇટ આપી રહ્યા છે ત્યારે આપણા રક્ષણ માટે રાત દિવસ હોસ્પિટલોમાં સેવા કરતાં ડોક્ટરો, નર્સો, કર્મચારી તથા આરોગ્ય તંત્રને આપણે સાથ આપવાની જરૂર છે હમણાં કોરોના રસી જ્યાં સુઘી ન આવે ત્યાં સુઘી માસ્ક જ રસી છે, આપણા આરોગ્યના રક્ષણ માટે સામાજીક અંતર રાખવું જોઇએ જેથી કોરોનાનું સંક્રમણ થતું અટકે જેથી કોરોના સામે આપણે જીત મેળવી શકીશું. તેમણે તમામ મહિલાઓને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટ જાળવીને આ મહામારીનો મુકાબલો કરવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે એક સોચ સંસ્થાના દ્વારા મહિલાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. મહિલાઓ પોતાની હેલ્થનું ધ્યાન રાખી શકે એના માટે માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500