દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં હવામાન વિભાગે સામાન્યથી ધોધમાર વરસાદની આગાહી કરી છે. સુરત,નવસારી,વલસાડ સહિત અનેક જિલ્લામાં ગત રાત્રિના વિરામ બાદ શુક્રવારે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરતના ઉધના, અઠવા, રિંગરોડ અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.
પ્રાથમિક શાળાઓમાં ઘૂંટણ સમા પાણી ભરાતા રજા અપાઈ
મળતી માહિતી મુજબ,સુરત જિલ્લામાં પણ આજે સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મહુવા તાલુકામાં શુક્રવારે સવારે મુશળધાર વરસાદ પડ્યો છે. જ્યારે મહુવા તાલુકાનું અલ્લુ બોરિયા ગામમાં ભારે વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જાહેર માર્ગો પર પાણી ભરાતા અવરજવર બંધ કરાઈ છે. જ્યારે પ્રાથમિક શાળાઓમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. કેટલાક વિદ્યાર્થીઓ શાળાએ આવતા તેમને પરત ઘરે જવા કહેવામાં આવ્યું હતું.
છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ
મહુવા તાલુકાની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન સાડા 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની માહિતી મળી છે. ભારે વરસાદના કારણે વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોના પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500