સુરતમાં મંગળવારે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે જનજીવનને અસર પહોંચી હતી. કામકાજ માટે નિકળેલા લોકોને પણ ભારે વરસાદમાં ઓફિસ કે કામધંધે જવાની ફરજ પડી હતી. એક ધારો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. સુરત શહેરના લિંબાયતમાં માત્ર બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને લઇને ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે. લિંબાયત ઝોનમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વહેલી સવારથી ભારે વરસાદના કારણે ઉધના દરવાજા, લીંબાયત, અડાજણ, સિવિલ પાસે, મીઠીખાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ઉધના દરવાજા પાસે મેઈન રોડ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી હતી. લોકોના વાહનો પણ ભરાયેલા પાણીમાં બંધ પડતા નજરે ચડયા હતા. સુરતનો વિયરકમ કોઝવે ઓવરફલો થયો હતો. મંગળવારે 10 કલાકે સપાટી 6.40 મીટર નોંધાઈ હતી. કોઝવે ઓવરફલો થતાં વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. વરાછા એ ઝોનમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત વરાછા ઝોન બી અને વેસ્ટ ઝોનમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. નોર્થ ઝોનમાં બે અને સાઉથ વેસ્ટ ઝોનમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500