Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વર્ષ ૧૯૯૭થી મહિલાઓનું, મહિલાઓ માટે, મહિલાઓ વડે સંચાલિત અને ૨૪x૭x૩૬૫ કાર્યરત સુરત શહેરનું એકમાત્ર ઉમરા‘મહિલા પોલીસ સ્ટેશન’

  • March 08, 2023 

બાળકીના જન્મથી લઈ તેમના ભણતર અને લગ્ન, પ્રસુતિ, બાળકોના અભ્યાસ સુધીની વિવિધ યોજનાઓનો લાભ આમજનતાને મળી રહ્યો છે. ત્યારે સમાજમાં સ્ત્રીઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે એ માટે સુરત પોલીસનો મહિલાલક્ષી અભિગમ એટલે સુરત શહેરનું એકમાત્ર ઉમરા ‘મહિલા પોલીસ સ્ટેશન’. વર્ષ ૧૯૯૭થી મહિલાઓનું, મહિલાઓ માટે અને મહિલાઓ વડે સંચાલિત અને ૨૪x૭x૩૬૫ કાર્યરત રહેતા મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસકર્મીઓ જ ફરજ બજાવે છે. સ્પેશિયલ શી-ટીમ સાથે ૩૧ મહિલા પોલીસકર્મીઓના સ્ટાફમાં ૧ PI, ૧ PSI, 3 ASI, ૫ હેડ કોન્સ્ટેબલ, ૯ કોન્સ્ટેબલ અને ૧૨ લોકરક્ષકનો સમાવેશ થાય છે. ખાસ કરીને ઘરેલુ હિંસા કે છેડતી જેવા કિસ્સામાં મહિલાઓ નિ:સંકોચ આગળ આવીને ફરિયાદ નોંધાવે અને આ પ્રકારના ગુન્હાઓમાં પીડિતાને ન્યાય અપાવવામાં આ પોલીસ સ્ટેશન અગ્રભૂમિકા નિભાવી રહ્યું છે.

           

૨૪ કલાક, સપ્તાહના સાતેય દિવસ અને વર્ષના ૩૬૫ દિવસ ખુલ્લા રહેતા આ પો.સ્ટેશનમાં કલમ ૪૯૮ અને ૩૨૩ સંબંધિત શારિરીક કે માનસિક ઘરેલુ હિંસાના કેસો આવતા હોય છે, ત્યારે રોજની આશરે ૨૫ જેટલી અરજીઓમાંથી મોટાભાગના કેસો નોંધ્યા વગર જ સમજાવટથી ઉકેલાય જાય છે એ આ પો.સ્ટેશનની ખાસિયત છે.

           

નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૨માં વિવિધ કિસ્સાઓમાં કુલ ૨૭૫૨ અને વર્ષ ૨૦૨૩ માં અત્યાર સુધી કુલ ૪૧૩ અરજીઓ કરવામાં આવી છે, જેમાંથી આશરે ૮૦% જેટલી અરજીઓમાં કેસ પણ નોંધાતા નથી. તેનું મુખ્ય કારણ અહીંનાં સ્ટાફ દ્વારા બન્ને પક્ષોને સાથે રાખીને કરવામાં આવતું હકારાત્મક કાઉન્સેલિંગ છે, જેમાં સમાધાનના પ્રોત્સાહક પરિણામો મળ્યા છે.

           

હેડ કોન્સ્ટેબલશ્રી મીના ગામિત કહે છે કે, મહિલાઓ અને તેમના પરિવારોને ઘરેલુ હિંસાના કેસોમાં કાઉન્સિલિંગ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. અમે બંને પક્ષ સાથે શાંતિ અને સમજાવટથી કામ લઈએ છીએ, જેથી સમાધાન શક્ય બને. જે મહિલાઓ પોલીસને આપવિતી નથી જણાવી શકતી તેમના માટે ડોકટર અને સાયકિયાટ્રિસ્ટ અને કાઉન્સેલર દ્વારા પણ પક્ષોને સમજ આપીએ છીએ.


શી ટીમની પ્રશંસનીય કામગીરી:

              નાની બાળકીઓ, કિશોરીઓ અને સ્ત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ દરમિયાન રાજ્ય સરકારે દરેક પોલીસ સ્ટેશન દીઠ નિમેલી એક સ્પેશિયલ ટીમ એટલે “શી ટીમ”. જે શહેર કે જિલ્લાનાં તમામ સ્થળોએ ૨૪ કલાક પેટ્રોલિંગ કરી રોજેરોજ બનતા નાના મોટા છેડતી કે દુષ્કર્મોના બનાવોને અટકાવવામાં તેમજ મહિલા અને કિશોરીઓને ભોગ ન બને એ માટે સાવચેત રહેવાની સમજ આપવામાં કારગર સાબિત થઈ છે. એ જ રીતે ઉમરા સ્થિત મહિલા પો.સ્ટેશન અંતર્ગત કાર્યરત શી ટીમની કામગીરી પણ સરાહનીય રહી છે.

           

શહેરના ૧૫ પોલીસ સ્ટેશનની શી ટીમને લીડ કરતાં પી.એસ.આઈ. સોનલ રાઠવા કે જેઓ છેલ્લા બે વર્ષથી આ પો.સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ જણાવે છે કે, શી ટીમની કામગીરી માત્ર અણબનાવોને રોકવા સુધી સિમિત નથી, પણ ટીમ સાથે મળીને અમે સરકારના વિવિધ અભિયાન અંતર્ગત નાની બાળકીઓથી લઈ, કિશોરીઓ અને મહિલાઓને સચેત-જાગૃત રાખવાનું પણ કામ કરીએ છીએ.

            

વધુમાં તેમણે કહ્યું કે, અમે સ્વરક્ષા અભિયાન હેઠળ અત્યાર સુધીમાં વિવિધ સ્કૂલ/કોલેજોમાં જઈ  ૪ લાખથી વધારે કિશોરીઓ-યુવતીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી છે. અને બાળકીઓ-કિશોરીઓને ‘ગુડ ટચ,બેડ ટચ’ વિષે પણ માહિતગાર કરી છીએ. જેના આંકડા આપતા તેઓ કહે છે કે, ગત વર્ષે બે લાખ જેટલી બાળકીઓ-કિશોરીઓ-મહિલાઓને જાગૃત્ત કર્યા છે. મહિલાઓના મનમાંથી પોલીસનો ભય દૂર કરવા અને તેમની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર સ્થાપિત કરવા સોસાયટીમાં જઈ સ્ત્રીઓને તેમના વિશેષ કાયદાઓ વિષે માર્ગદર્શન આપીએ છીએ એમ તેમણે ઉમેર્યું હતું.

            

શી-ટીમની કામગીરી વિષે તેઓ કહે છે કે, જ્યારે મહિલાઓને મોડી રાત્રે એક જગ્યાએથી બીજી જગ્યાએ એકલા જવું હોય અને તેઓ ભયભીત હોય તો, એવા સંજોગોમાં પણ  મદદ કરીએ છીએ. હેલ્પલાઈનમાં મદદ માટે આવતા તમામ કોલ પર સમયસર પહોંચીએ છીએ.

આમ, બદલાતા સમય સાથે પુરૂષપ્રધાન સમાજમાં સ્ત્રી અને પુરૂષને એક સમાન સ્થાન આપવા માટે ‘જેન્ડર ઈક્વાલિટી’ને પ્રાધાન્ય આપતી કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર મહિલા સુરક્ષા માટે પણ સંવેદનશીલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application