Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત સિવિલ : છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ૩ અંગદાનથી ૧૦ લોકોને મળ્યું નવજીવન

  • May 05, 2023 

ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ મેળવી ચુકેલા સુરત શહેરની યશકલગીમાં એક સાથે ત્રણ બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાન થકી વધુ એક છોગુ ઉમેરાયું છે. સુરત સિવિલ હોસ્પિટલની સોટો ટીમના સભ્યોના અવિરત પ્રયાસોથી છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ જેટલા બ્રેઈનડેડ વ્યક્તિઓના ૧૦ અંગોનું દાન સ્વીકારવાની વિરલ ઘટના બની છે.

                

પ્રથમ બનાવની વિગતો અનુસાર તા.૩૦મી એપ્રિલના રોજ મહારાષ્ટ્રના દહાણુ ખાતે ૩૫ વર્ષીય અવિનાશ લક્ષ્મણ ધોડાડે ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે અકસ્માત થતા તત્કાલ વલસાડ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાંથી તા.૧લી મેના રોજ વધુ સારવાર માટે સુરત સિવિલમાં રીફર કરાયા હતા. જયાં તા.૨જીએ ડો.જય પટેલ તથા ડો. કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ સ્થિત સોટોની ટીમના સભ્ય ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નર્સિગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, નિર્મલાબેને તેમના પરિવારજનોને સમજાવીને અંગદાનનું મહત્વ સમજાવ્યું. પરિવારે સંમતિ આપતા સ્વ. અવિનાશનું લિવર તથા બે કિડનીનું દાન સ્વીકારાયું હતું. કિડનીને રાજકોટ તથા લિવરને અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં લઈ જવાયું હતું.

         

બીજા બનાવમાં સુરત શહેરની મહાલક્ષ્મી સોસાયટી, બમરોલી, પાંડેસરામાં રહેતા અને મહારાષ્ટ્રના જલગાંવમાં તેમના ભાઈની તબિયત પુછવા ગયેલા ૪૫ વર્ષીય દિપક સંતોષ ચૌધરીને ચક્કર આવતા બેભાન અવસ્થામાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જયાં તા.૩જી મેના રોજ ડો.જય પટેલ તથા ડો. કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પરિવારે સંમતિ આપતા સ્વ.દિપકના બે કિડની તથા હદયનું દાન સ્વીકારાયું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમવાર હદયનું દાન થયું છે. જેને અમદાવાદ સિમ્સ હોસ્પિટલ ખાતે એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યું હતું.

             

ત્રીજા બનાવમાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારની મહાદેવનગર સોસાયટીમાં પોતાના સગાને ત્યાં રહેતા ૨૩ વર્ષીય પ્રિતેશ રાજભર તા.૩૦મી એપ્રિલ, રવિવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ પાંડેસરાના ગણપતનગર પાસે રોડ પર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તત્કાલ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસની સારવાર બાદ ગત તા.૨જીએ રાત્રે ૧૦.૦૦ વાગે ન્યુરોસર્જન ડો.જય પટેલ તથા ન્યુરો ફિજીશ્યન ડો.કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પિતા મનોજકુમાર રાજભરે સંમતિ આપતા વહેલી સવારે બ્રેઈનડેડ સ્વ.પ્રિતેશની બે કિડની, લિવર તથા આંતરડાનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. આમ, સુરત સિવિલથી બીજી વાર આંતરડાનું દાન થયું છે.

              

આમ, પરિવારજનોની માનવીય સંવેદના અને સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી સુરતમાં અંગદાનની સરવાણી વહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સોટોની ટીમ સભ્ય સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, અધિક તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, ડો.નિલેશ કાછડીયા, નર્સિગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, નિર્મલાબેન તથા ગુલાબભાઈ તેમજ નર્સિંગ સ્ટાફ, સ્વયંસેવકો, સિકયુરીટી સ્ટાફગણ, પોલીસકર્મીઓના સામૂહિક પ્રયાસોના પરિણામે ત્રણ બ્રેઈનડેડ વ્યક્તિઓના ૧૦ અંગોનું મહાદાન થયું છે.

         

આમ, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ મહિના દરમિયાન ૨૪ વ્યક્તિઓના અંગદાન થયા છે. જેમાં પ્રથમ વખત સુરત ખાતેથી હ્રદયનું પ્રેરણારૂપ દાન થતા માનવતાનું આદર્શ ઉદાહરણ સ્થાપિત થયું છે.  અત્યાર સુધીમાં કુલ ૬૮ અંગોનું દાન કરાયું છે, જેમાં ૧૯ લીવર, ૪૨ કિડની, ૩ હાથ, ૧ સ્વાદુપિંડ, બે આંતરડા તથા એક હ્દયના દાન થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યા છે. (ખાસ અહેવાલ: વૈભવી શાહ)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application