Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રોંગસાઈડ ડ્રાઈવિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાત કરશો તો લાયસન્સ સસ્પેન્ડ થશે

  • December 31, 2020 

પોલિસ કમિશનરશ્રી અજયકુમાર તોમરની અધ્યક્ષતામાં ૩૮મી શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બને, લોકો અને વાહનચાલકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે તથા નિયમભંગ કરનાર વાહનચાલકો સામે સખ્ત કાર્યવાહી કરવાં અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં પોલિસ કમિશનરશ્રીના વડપણ હેઠળ લેવાયેલાં નિર્ણય અનુસાર હવે રોંગસાઈડ ડ્રાઈવિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાત કરનાર વાહનચાલકનું લાયસન્સ સસ્પેન્ડ થશે. વધુ ઝડપે ડ્રાઈવિંગ તેમજ રિપીટ ઈ-મેમો મેળવનારનું પણ ડ્રાઈવિંગ લાઈસન્સ રદ્દ કરાશે. ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે સખ્ત કાર્યવાહીથી અકસ્માતો અને ટ્રાફિક સમસ્યા નિવારી શકાશે એમ પોલિસ કમિશનરશ્રીએ કહ્યું હતું. 

 

 

પોલિસ કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ગત વર્ષ દરમિયાન નોંધાયેલા ગંભીર અકસ્માતોમાં ૨૮૨ અને આ વર્ષે ૧૪૧ વાહનચાલકોએ જીવ ગુમાવ્યા છે. ગત વર્ષની સરખામણીએ ગંભીર અકસ્માતોમાં ૪૦ ટકા ઘટાડો નોંધાયો છે. ટ્રાફિક પોલિસની અસરકારક કામગીરી, લોકજાગૃત્તિ સાથે કોરોના મહામારીમાં અમલી થયેલા લોકડાઉનમાં વાહનવ્યવહાર ન હોવાથી અકસ્માતોનું અને ફેટલ એક્સિડેંટનું પ્રમાણ ઓછુ થવાં પામ્યું છે. પોલિસ કમિશનરશ્રીએ આવનારા નવા વર્ષ ૨૦૨૧માં નવા જોમ અને ઉત્સાહ સાથે કાર્યાયોજન કરી શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણમાં સુધાર અને બદલાવ જોવા મળે એવી અપેક્ષા વ્યકત કરી હતી. આ સંદર્ભે તેમણે પોલિસ વિભાગ અને મનપા વચ્ચે બહેતર સંકલન સાથે સુનિયોજિત કામ કરવાં માટે સંકલ્પબદ્ધ થવાનો અનુરોધ કર્યો હતો.  

 

 

શ્રી તોમરે વધુમાં જણાવ્યું કે, ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારોમાં વધુ ટ્રાફિક રેગ્યુલેશનની જરૂરિયાત હોવાથી ટ્રાફિક કામગીરી સઘન બનાવવામાં આવશે. લોડીંગ રિક્ષા, માલવાહક ટેમ્પોની પાર્કિંગ સમસ્યાને નિવારવા ટેક્ષટાઈલ એસોસિએશન અને વ્યાપારીઓ સાથે બેઠકો કરી યોગ્ય વ્યવસ્થા ઊભી થાય એવું ઝડપી આયોજન કરાશે. તેમણે બ્લેક સ્પોટ. ટ્રાફિક, જીવલેણ અકસ્માતો, દંડનીય કાર્યવાહી, ઈ-મેમો જેવા ડેટાબેઝના અભ્યાસના આધારે આગામી નવા વર્ષમાં ટ્રાફિક નિયમનને વધુ અસરકારક બનાવાશે એમ પણ જણાવ્યું હતું.      

 

 

બેઠકમાં સૌથી વધુ અકસ્માતગ્રસ્ત વિસ્તારોમાં બ્લેક સ્પોટ આઈડેન્ટીફાય કરી અકસ્માતો અટકાવવાં માટેનું નક્કર આયોજન કરવું, શૈક્ષણિક, ધાર્મિક, આનંદ પ્રમોદના સ્થળો તેમજ રોડ જંકશનની સ્થળોએ સ્પીડ બ્રેકર તથા ઝેબ્રાક્રોસિંગ બનાવવા અને ઝાંખા થઈ ગયેલા હોય તો રંગકામ કરાવવું, ફૂટપાથ અને રસ્તા પરના દબાણોનું કાયમી ધોરણે નિવારણ લાવવું તેમજ માર્ગ સલામતિ માટે જનજાગૃતિ લાવવાના કાર્યક્રમો યોજી ટ્રાફિક નિયમો તથા કાયદા સબંધી માર્ગદર્શન આપવાની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 

 

 

 

ઈ.પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અને કાઉન્સિલના સભ્ય સચિવશ્રી ડી.કે.ચાવડાએ તમામ સભ્યોને આવકારી ગત બેઠકમાં લેવાયેલાં નિર્ણયોની પૂર્તતાનોંધનું વાંચન કરી આજની બેઠકના એજન્ડા અંગે જાણકારી આપી હતી. 

 

 

 

બેઠકમાં જોઈન્ટ પોલિસ કમિશનર(ટ્રાફિક અને ક્રાઈમ)શ્રી શરદ સિંઘલ, ડી.સી.પી.(ટ્રાફિક)શ્રી પ્રશાંત સુમ્બે, સુરત મહાનગરપાલિકાના ડે.કમિશનરશ્રી આર.જે.પંડ્યા સહિત પોલિસ, આર.ટી.ઓ., ટ્રાફિક, મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application