સુરત શહેરમાં ત્રણ દિવસ પહેલા દિલ્હી ગેટથી રિંગરોડ સુધી જવા માટે રીક્ષા ભાડે કરનાર મોરબીના સાડીના વેપારીને રીક્ષા ચાલક ટોળકીએ ચપ્પુ બતાવી રોકડા 5 હજાર અને 15 હજારનો સાડીનો જથ્થો લૂંટી લીધો હતો. વેપારીએ ટોળકીને પ્રતિકાર કરી ચાલકને ધક્કો મારતા રીક્ષા પલ્ટી ખાધા વેપારીને ઇજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં ગતરોજ ટોળકીને ઝડપી પાડી તેમની પાસેથી લૂંટાયેલો સાડીનો મુદામાલ કબજે કર્યો હતો.
મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ, મોરબી નાની વાવડી ગામ બગથડા રોડ ઉમીયાપાર્ક ખાતે રહેતા ચંદનસિંહ સોનજી સોઢા (ઉ.વ.37) નહેરૂગેટ મોરબી પ્લાઝામાં પ્રાર્થના સાડીના નામે દુકાન ધરાવે છે. ચંદનસિંહ ગત તા.26મીના રોજ સવારે સાડીનો માલ લેવા માટે સુરત આવ્યો હતો. દિલહીગેટ બ્રીજ નીચેથી રિંગરોડ જવા માટે રીક્ષા ભાડે કરી હતી. રીક્ષામાં પહેલાથી ત્રણ મુસાફરો બેઠા હતા. રીક્ષા સહારા દરવાજા નજીક પહોચતા પહેલા આગળ પાછળ ખસવાનુ કહી નજર ચુકવી ઝભ્ભાના ખિસ્સામાંથી રૂપિયા 5 હજાર કાઢી લીધા હતા. જોકે ચંદનસિંહને ખ્યાલ આવી જતા મુસાફરને તેના પૈસા આપી દેવાનુ કહી ચાલકને રીક્ષા ઉભી રાખવાનું કહેવા છતાંયે રીક્ષા ઉભી રાખી ન હતી અને પકડી રાખી ઝપાઝપી કરી ચપ્પુ બતાવતા ચંદનસિંહે પ્રતિકાર કરી રીક્ષા ચાલકને ધક્કો માયો હતો જેથી ચાલકનું સ્ટેયરીંગ પર બેલેન્સ નહી રહેતા રીક્ષા પલ્ટી ખાતા ચંદનસિંહને પીઠ અને હાથ-પગના ભાગે ઇજા પહોંચી હતી.
જયારે ટોળકી રૂપિયા 15 હજારનો સાડીનો જથ્થો લઈને ભાગી ગઈ હતી. બનાવ અંગે મહિધરપુરા પોલીસે ગુનો દાખલ કરી પીઆઈ આર.કે.ધુળિયાના માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના માણસોએ તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સરદારસંગ ધનજી અને કિરીટ જશવંતે મળેલી બાતમીના આધારે લૂંટમાં સંડોવાયેલા શાહરૂખ જહુર શેખ (ઉ.વ.21, રહે.ભેસ્તાન આવાસ), ઈકબાલ સલાઉદ્દીન પટેલ (ઉ.વ.33, રહે.ડિંડોલી) અને મોઈન અકીલ મનીયાર (ઉ.વ.19, રહે.ડિંડોલી)ના ઓને મોતી ટોકીઝ ચાર રસ્તા પાસે ચાની લારી પાસેથી ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી લૂંટનો સાડીનો તમામ મુદ્દામાલ કબજે કરી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. વધુમાં ટોળકી અગાઉ પણ અનેક વાર પોલીસમા પકડાઈ ચુકી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500