સુરતના રામપુરા ચાર રસ્તા નજીક સાંજે કેમિકલ વેપારીના બે કર્મચારી આંગડીયા પેઢીમાં પૈસા ભરવા બાઈક ઉપર જતા હતા. તે સમયે બાઈક ઉપર આવેલા માસ્કધારી લૂંટારુએ એક કર્મચારીને ચપ્પુ મારતા તે બાઈક સાથે પટકાયો હતો. બાદમાં લૂંટારુએ બીજાને ચપ્પુ બતાવી રોકડા રૂપિયા 25 લાખ ભરેલો થેલો ઝુંટવી લીધો હતો અને બાઈક ઉપર ભાગી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતા શહેરની પોલીસ દોડતી થઈ ગઈ હતી અને નાકાબંધી કરી લૂંટારુને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રામપુરા રાજાવાડી ખાતે સુપ્રિમ ઓઈલના નામે ઓઈલનો ભાગીદારીમાં વેપાર કરતા અસલમભાઈના વર્ષો જુના બે કર્મચારી હમીદ અને અમીન નિત્યક્રમ મુજબ સાંજે 5.30 વાગ્યે ઓફિસથી બાઈક ઉપર રોકડા રૂપિયા 25 લાખ એક થેલામાં લઈ એક પાર્ટીને પેમેન્ટ આપવા તેમજ બહારગામના વેપારીઓને પેમેન્ટ ચૂકવવા આંગડીયા પેઢીમાં જમા કરાવવા નીકળ્યા હતા. તેઓ થોડે દૂર જ પહોંચ્યા હતા ત્યારે રામપુરા ચાર રસ્તા પાસે લોકોની ભારે અવરજવર વચ્ચે એક બાઈક ઉપર માસ્ક પહેરીને આવેલા અજાણ્યાએ બાઈક ચલાવી રહેલા હમીદને જાંઘના ભાગે ચપ્પુ મારતા તે અને પાછળ બેસેલો અમીન બાઈક સાથે નીચે પટકાયા હતા. હમીદ રસ્તા ઉપર કણસતો હતો ત્યારે માસ્ક્ધારી ચપ્પુ લઈ તેનાથી બચવા હવાતીયા મારતા અમીન પાસે આવ્યો હતો અને તેને ચપ્પુ બતાવી લોકોની નજર સામે જ રોકડા રૂપિયા 25 લાખ ભરેલો થેલો ઝુંટવી બાઈક ઉપર મહિધરપુરા ભવાનીવડ તરફ ભાગી છૂટ્યો હતો.
અમીને બનાવ અંગે અસલમભાઈને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી ઈજાગ્રસ્ત હમીદને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવ અંગે લાલગેટ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ બંને કર્મચારીની પુછપરછ હાથ ધરી હતી. રોકડા રૂપિયા 25 લાખની લૂંટને પગલે શહેરની પોલીસ દોડતી થઈ ગઈ હતી અને નાકાબંધી કરી લૂંટારુને શોધવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500