પલસાણા તાલુકાનાં કડોદરા ચાર રસ્તા નજીક સાગર ધાબા રેસ્ટોરન્ટની બાજુમાં આવેલ બેટરીની દુકાનમાં મોઢે બુકાની બાંધીને આવેલ તસ્કરો શટર ઉંચુ કરી દુકાનમાં રહેલી 1.80 લાખની કિંમતની નવી-જૂની મળી કુલ 59 જેટલી બેટરીની ચોરી કરી ગયા હતાં. આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
પલસાણા તાલુકાનાં કડોદરા ચાર રસ્તા નજીક સાગર ધાબા રેસ્ટોરન્ટની બાજુમાં આવેલ જયરામ બેટરીની દુકાનમાં સવારે 5 વાગ્યાની આસપાસ મોઢે બુકાની બાંધી આવેલ બે અજાણ્યા ઇસમોએ દુકાનનું શટર તોડી ઉંચુ કરી દુકાનમાં પ્રવેશી દુકાનમાં આવેલ નવી-જૂની તેમજ ચાર્જ માટે આવેલ ગ્રાહકોની બેટરીની ચોરી કરી ગયા હતાં.
ત્યારબાદ સવારે દુકાન પર આવેલા માલિક કમલેશકુમાર પ્રહલાદભાઈ પટેલ (રહે.અવધ સાંગરીલા,બલેશ્વર ગામ,તા-પલસાણા) એ દુકાનનું શટર તૂટેલું જોતા દુકાનમાં પ્રવેશ કરીને તપાસ કરતાં જોયું તો દુકાનમાં મૂકેલી નવી-જૂની બેટરીનો જથ્થો અજાણ્યા ઈસમો ચોરી કરીને લઈ ગયા હતા અને દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા બોલેરો પીકઅપમાં આવેલ બુકાનીધારી બે અજાણ્યા ઈસમો આ બેટરીની ચોરી કરી જતાં નજરે પાડ્યા હતા. કમલેશભાઈએ દુકાનમાં રાખેલી નવી બેટરીની વેચાણ અને આવકની રજિસ્ટર ચકાસતા અંદાજિત 59થી વધુ બેટરીઓ ચોરી થઈ હતી જેની કીંમત રૂપિયા 1.80 લાખથી વધુની કિંમતની ચોરી થવા પામી હતી.
આ બનાવ અંગે કમલેશભાઈ એ 59 બેટરીઓ ચોરી થઈ જતાં કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500