સુરતનાં સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય વેપારી ઉપર તેના પિતરાઈ ભાઈ સાથે કોલેજમાં થયેલા ઝઘડાની અદાવત રાખી સામેવાળાએ તેના સાગરીતો સાથે મળી રાત્રે લાકડાના ફટકા અને ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. કોલેજમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં જેતે વખતે કોલેજમાં પ્રોફેસરો દ્વારા બંને પાર્ટીઓ વચ્ચે સમાધાન કરાવી દીધુ હોવા છતાંયે તેની અદાવત રાખી વિદ્યાર્થીના પિતરાઈ ભાઈ ઉપર ચપ્પુથી હુમલો કરતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
સરથાણા પોલીસના જણાવ્યા મુજબ, સરથાણા જકાતનાકા પરમહંસ સ્કુલની બાજુમાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા પાર્થ મુકેશભાઈ રાદડીયા (ઉ.વ.24) ફિલ્પકાર્ડના માધ્યમથી ઓનલાઈન ઘડીયાળ વેચવાનો વેપાર ધંધો કરે છે. પાર્થના કાકાનો દીકરો ઘ્રુવ મુકેશ રાદડીયા કડોદરામાં આવેલ અંબાબા કોલેજમાં અભ્યાસ કરે છે. અને તેનો ગત તા.02 ઓગસ્ટના રોજ કોલે્જમાં વિવેક ભુવા સાથે નજીવી બાબતે બોલાચાલી થઈ ઝઘડો થયો હતો. જેતે વખતે કોલેજના પ્રોફેસરો વચ્ચે પડી બંને જણાનું સમાધાન કરાવ્યું હતું.
ત્યારબાદ ગત તા.03ના રાત્રી દસેક વાગ્યે પાર્થ તેના મિત્ર ગૌતમ ભડીયાદરા અને વ્રજ રાદડીયા સાથે ઘરની બાજુમાં બેઠા હતા. તે વખતે વિવેક ભુવા, નાગરાજ, યશ માફિયા, સાહિલ તેની પાસે આવી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને લાકડાના ફટકાથી ઢોર મારમારવા લાગ્યા હતા. તે દરમિયાન પાર્થને બચાવવા તેના મિત્રો વચ્ચે પડતા તેની સાથે પણ ઝઘડો કર્યો હતો. સાહિલે તેની પાસેથી ચપ્પુ કાઢી માથા અને પીઠના ભાગે ઘા માર્યા હતા જેથી પાર્થને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમા ખસેડવામાં અવ્યા હતા ત્યાં તેને માથામાં ટાંકા આવ્યા હતા. બનાવ અંગે પોલીસે પાર્થની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500