સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં ભુવાસણ ગામમાં રાઈસ મીલમાં કામ કરતો યુવક બાઈક લઈ પારડી-વાઘા ગામની હદમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક ટ્રેક્ટરને ઓવર ટેક કરવા જતાં ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટે લેતા યુવકને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં ભુવાસણ ગામમાં આવેલ સાગર રાઈસ મીલમાં રહી કામ કરતો ત્રિભુવનસિંગ ગીરજાશંકર રાજપૂત જે રાત્રિના 8 વાગ્યાની આસપાસ બાઇક નંબર જીજે/15/ક્યૂ/4613 લઈ નીકળ્યો હતો અને તે બારડોલી નવસારી રોડ ઉપર પારડી-વાઘા ગામની હદમાંથી પસાર થઈ રહયો હતો.
તે સમયે આગળ ચાલતું ટ્રેકટર નંબર જીજે/19/બી/5652 તથા ટ્રેલર નંબર જીજે/19/એક્સ/2492ને બસ સ્ટેન્ડ નજીક ઓવરટેક કરવા જતાં ટ્રેકટર ચાલકે આ યુવકની બાઇકને અડફેટે લેતા તે નીચે પટકાયો હતો અને તેને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.
આ અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક ટ્રેકટર મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે બારડોલી પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500