સુરતના ઘોડદોડ રોડ ગોકુલમ ડેરી વિસ્તારમાં રહેતા ઈન્પોર્ટ એક્ષપોર્ટનો ધંધો કરતા વેપારીના ઘરે ગતરોજ સાંજે આવેલા ઠગબાજે તેના પિતાને ગુજરાત ગેસ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી નવા મીટરના બહાને રૂપિયા ૪૦,૨૧૦/- પડાવી નાસી ગયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઘોડદોડ રોડ ગોકુલમ ડેરી નીતિન એપાર્ટમેન્ટની સામે નંદનિવાસ ખાતે રહેતા ઓમપ્રકાશ રામવિલાસ અગ્રવાલ (ઉ.વ.૩૪) મજુરાગેટ વિશ્વકર્મા ચેમ્બરમાં બીજા માળે એક્ષપોર્ટ ઈન્પોર્ટની ઓફીસ રાખી વેપાર-ધંધો કરે છે. ઓમપ્રકાશભાઈ ગતરોજ સાંજે પોણા પાંચેક વાગ્યે ઘરે હતા. તે વખતે આશરે ૩૫ થી ૪૦ વર્ષીય અજાણ્યો ઘરે આવી પોતાની ઓળખ ગુજરાત ગેસ કંપનીના કર્મચારી તરીકે આપી હતી અને તમે ગુજરાત ગેસ કંપનીમાં અરજી કરી છે. તમારુ ગેસનું બીલ વધારે આવે છે જેથી હું નવુ મીટર લગાવી આપીશ જેથી બિલ ઓછુ આવશે હોવાની વાત કરી હતી. ત્યારબાદ ઠગબાજે ઓમપ્રકાશભાઈને તેના પુત્ર વિવેક અંગે પુછપરછ કરી તેમના જ મોબાઈલથી જ પુત્ર વિવેક સાથે વાત કરી હતી. તે વખતે અજાણ્યાએ પોતાનું નામ રુપલ જણાવ્યું હતું. ઠગબાજે પુત્ર વિવેક સાથે વાત કર્યા બાદ નવા મીટર માટે રૂપિયા ૪૦,૨૧૦/- માંગ્યા હતા.
ઓમપ્રકાશભાઈને એવુ હતું કે, તેના પુત્ર વિવેક સાથે પૈસાની વાત થઈ હશે એમ સમજીને ઠગબાજને પૈસા આપી દીધા હતા. ઠગબાજે પૈસા લીધા બાદ નવુ મીટર અને પૈસાની રસીદ મળી જશે કહી નાસી ગયો હતો. ઠગબાજ ગયા બાદ ઓમપ્રકાશભાઈએ ફરીથી પુત્ર વિવેકને ફોન કરી ગેસ મીટર માટે પૈસા આપી દીધા હોવાનું કહેતા વિવકે તેની સાથે પૈસાની કોઈ વાતચીત થઈ નથી હોવાનુ કહેતા તેમને ખ્યાલ આવી ગયો કે અજાણ્યો તેમની પાસે ગુજરાત ગેસ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી નવા મીટરના બહાને પૈસા પડાવી છેતરપિંડી કરી મોપેડ ઉપર નાસી ગયો છે. બનાવ અંગે પોલીસે ઓમપ્રકાશભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500