સુરતના મોટીવેડ ગામમાં રહેતા તાલુકા પંચાયતના મહિલા કર્મચારીના ઘરમાંથી ગત તા.04 સપ્ટેમ્બરના રોજ દિન-દહાડે રૂપિયા 1.75 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. મહિલા કર્મચારીના સાસુની હાજરીમાં જ તિજોરીની ચાવી પર્સમાંથી કાઢી લોકર માંથી દાગીના ચોરનાર કોઈ જાણભેદું હોવાની આશંકાને આધારે સિંગણપોર પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતના મોટીવેડ ગામના ક્રિષ્ના સ્ટ્રીટ ઘર નંબર-244માં રહેતા ભાવીનાબેન સુભાષભાઇ કંથારીયા (ઉ.વ.29) જે ઘોડદોડ રોડ સ્થિત તાલુકા પંચાયતમાં લોક પ્રોજેક્ટ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરે છે અને જે ગત તા.04 સપ્ટેમ્બરનાં રોજ સવારે 11 વાગ્યે તેમના પતિ સાસુ રમીલાબેનને પોસ્ટ ઓફિસનું કામ પતાવી ઘરે મૂકી ઓફિસે ગયા બાદ ભાવીનાબેન ઘરને તાળું મારી સાસુ અને 8 વર્ષીય પુત્રી પરીને લઈ પોતાની ઓફિસે ગયા હતા. ત્યાં કામ પતાવી 12.15 કલાકે તે નાનપુરા બહુમાળી ભવન ખાતે વિધવા સહાયના કામે ગયા હતા ત્યારબાદ બપોરે બે વાગ્યે કામ પત્યા બાદ ભાવીનાબેને સાસુ અને પુત્રીને અઠવાગેટથી રીક્ષામાં બેસાડી ઘરે મોકલ્યા હતા અને પોતે નોકરીએ ગયા હતા.
ત્યારબાદ સાંજે ઘરે પહોંચેલા ભાવીનાબેન સાસુના વિધવા સહાયના કાગળો તિજોરીમાં મુકવા ઘરમાં પડેલા પર્સમાં ચાવી લેવા ગયા તો ચાવી તેમાં નહોતી. ચાવી શોધી તો તિજોરીના મેઈન દરવાજામાં જ લટકતી હતી અને અંદર લોકર ખુલ્લું હતું. સાસુને તે અંગે પૂછતાં તેમને કોઈ જાણ નહોતી. આથી લોકરમાં પડેલા સોનાના દાગીનાના ત્રણ બોક્સ ખોલી જોયા તો તેમાં રૂપિયા 1,75,260/-ની મત્તાના સોનાના દાગીના નહોતા. પાડોશીઓને પૂછતાં ઘરે કોઈ આવ્યું ન હોવાનું જાણ્યા બાદ પતિને જાણ કરી બાદમાં ગતરોજ ભાવીનાબેને અજાણ્યા વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દાગીના ચોરનાર કોઈ જાણભેદું હોવાની આશંકાને આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500