સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ તાજેતરમાં રસ્તાઓ પર સુતેલા નિરાધાર લોકો, સ્લમ વિસ્તારમાં રહેતાં લોકોને પણ કોરોના પ્રતિરોધક રસીકરણ પ્રક્રિયામાં સામેલ કરવાનું સુચન કર્યું હતું, જેને ધ્યાનમાં લઇને સાંસદ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યુથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 67 જેટલા નિરાશ્રિત લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. તેઓને રસીકરણના ફાયદાઓ અંગે સમજ આપીને જાગૃત્ત કરાયા હતાં.
યુથ ફોર ગુજરાત ટ્રસ્ટના સંચાલક શનિ રાજપુતે જણાવ્યું હતું કે, 'કોરોના મહામારી નાથવા રાજ્યના આરોગ્યતંત્રના માર્ગદર્શન હેઠળ પાલિકા તંત્ર કોરોનાને નાથવા સતત કાર્યરત છે. રસીકરણની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે, ત્યારે મ્યુ.કમિશનરશ્રીના રચનાત્મક સુચનને અમલમાં મૂકતા અમારી સંસ્થા દ્વારા ડિંડોલી, પાંડેસરા અને ભટારની ખાડી જેવા વિસ્તારોમાં ફરતાં ભિક્ષુકો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, કચરો વિણતા અને નિરાધાર લોકોને પણ રસી મૂકી કોરોના સામે સુરક્ષા આપી શકાય એ માટે અભિયાન ચલાવ્યું હતું. સતત બે દિવસ આવા ગરીબ વર્ગના નાગરિકો સુધી જઈ 67 લોકોને વેક્સિન આપવામાં આવી છે. તેમને સિવિલ હોસ્પિટલ સુધી લાવવા લઈ જવા માટે વાહનની સગવડ પણ કરવામાં આવી હતી.
શ્રી રાજપુતે વધુમાં જણાવ્યું હતું કે, 'સરકારી તંત્ર દ્વારા તબક્કાવાર સૌનું રસીકરણ થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી સરકારને સહકાર આપી રસી મુકાવીને કોરોનાથી રક્ષણ મેળવવું જોઇએ. આપણે “માસ્ક નહિ તો ટોકેંગે, કોરોના કો રોકેંગે”ના સુત્રને સાર્થક કરી રસીકરણનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500