કેન્દ્રીય સ્ટીલ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી ફગ્ગનસિંહ કુલસ્તેએ ગુજરાતના ગ્રામ ગૃહનિર્માણ રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની સાથે સુરત જિલ્લાના મહુવા તાલુકાના નેવાળીયા, વાસકુઈ, કરચેલીયા, નલધરા ગામની મુલાકાત લીધી હતી, જ્યાં ગ્રામ વિકાસ, સ્વચ્છ ભારત મિશન, સખી મંડળો અને લાઈવલીહુડ પ્રવૃત્તિઓ નિહાળી હતી. મંત્રી સાથે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડીયા, સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ પણ જોડાયા હતા.
મંત્રી અને મહાનુભાવોએ વાંસકુઈ ખાતે સુમુલ ડેરી સંચાલિત સુમુલ-વાંસકુઈ વાછરડી, પાડી ઉછેર કેન્દ્ર, ગૌશાળા, સુમુલ ડેરી પાર્લર, કરચેલીયા વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળીની મુલાકાત લીધી હતી. તેમણે કરચેલીયાના નાયકીવાડમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના આવાસની મુલાકાત લઈને લાભાર્થીઓને ઉપલબ્ધ આવાસીય સુવિધાઓ નિહાળી હતી. નલધરા ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના વોટરશેડ કોમ્પોનન્ટના લાભાર્થી ચેતનભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવતી શાકભાજીના ખેતી અંગે માહિતી મેળવી હતી. યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ દ્વારા પ્રોત્સાહિત કરી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા અનુરોધ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500