Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાંદેરના ૮૦ વર્ષીય વડીલે ૪૭ દિવસની સંઘર્ષમય સારવાર બાદ કોરોનાને પરાસ્ત કર્યો

  • May 30, 2021 

છેલ્લાં એક વર્ષના કોરોનાકાળ દરમિયાન કોરોનામાંથી વડીલો મોટી સંખ્યામાં સ્વસ્થ થયા છે. રાંદેરના ૮૦ વર્ષીય વડીલે ૪૭ દિવસની સંઘર્ષમય સારવાર બાદ કોરોનાને પરાસ્ત કર્યો છે. વયોવૃદ્ધ રમાકાંતભાઈ ૧૫ દિવસ વેન્ટિલેટર, ૫ દિવસ બાયપેપ અને ૪ દિવસ ઓક્સિજન સપોર્ટ પર રહ્યાં હતા. ફેફસામાં ૯૦ ટકા કોરોનાનું ઈન્ફેક્શન લાગી ચૂક્યું હતું, એ સંજોગોમાં તેમનું સ્વસ્થ થવું એ ચમત્કારથી કમ નથી. કોરોના સામે લાંબો જંગ ખેલીને સુખરૂપ ઘરે પરત ફર્યા છે, ત્યારે કુલકર્ણી પરિવારની ખુશીનો કોઈ પાર ન હતો.

 

 

 

 

રમાકાંતભાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. રાંદેરની ગાયત્રી સોસાયટી, નવયુગ કોલેજ પાછળ પરિવાર સાથે રહે છે. ગત તા.૧૧ એપ્રિલે સામાન્ય લક્ષણો સાથે કોરોના પોઝિટિવ આવતાં રિંગ રોડની નિર્મલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા. એ સમયે તેમને ફેફસાંમાં ૯૦ ટકા જેટલું સંક્રમણ હતું. આવી ગંભીર સ્થિતિમાં તેમના પરિવારને તેમના બચવાની કોઈ આશા ન હતી.

 

 

 

 

હોસ્પિટલના ડો.ગૌરિશ ગડબેલએ વિગતો આપતાં જણાવ્યું કે, તા.૧૧ એપ્રિલે તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ સાથે દાખલ થયેલા વડીલના એચઆરસિટીમાં ૮૫ થી ૯૦ ટકા જેટલું ફેફસામાં કોરોનાનું ઈન્ફેક્શન જણાયું. તેઓ જ્યારે દાખલ થયા ત્યારે હાલત અત્યંત ગંભીર હતી, અને ઓક્સિજન લેવલ ઘટી જતા તાત્કાલિક આઈસીયુમાં બાયપેપ પર રાખી સારવાર શરૂ કરી. શ્વાસ લેવામાં વધુ તકલીફ થતી હોવાથી તેમને ૧૫ દિવસ વેન્ટિલેટર પર પણ રાખ્યા હતા. આઈસીયુમાં સારવાર દરમ્યાન ICMR અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ એન્ટીબાયોટિક અને સપોર્ટિવ દવા સાથેની સારવાર પણ આપવામાં આવી હતી. ધીરે ધીરે સારવાર બાદ તબિયતમાં સુધાર આવતા બાહ્ય ઓક્સિજનની માત્રા ઘટાડતા ગયા. લાંબી પરંતુ યોગ્ય સારવારના કારણે ધીમે ધીમે તબિયતમાં સુધાર જણાતા નોર્મલ એર રૂમ પર શિફ્ટ કર્યા હતા. જનરલ વોર્ડમાં ૨૬ દિવસ રાખ્યા બાદ અંતે તેઓ કોરોનામુક્ત થયા હતા અને તા.૨૭મીએ રજા આપવામાં આવી હતી. અમારા તબીબી સ્ટાફ હંમેશા તેમનો ઉત્સાહ વધારી કહેતા કે, ‘તમે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશો’.

          


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application