તાઉતે વાવાઝોડાએ સર્જેલી તારાજીને પગલે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે મકાન સહાય, ખેતીપાક સહાય, પશુસહાય, ઘરવખરીની નુકસાની સહાય, કેશડોલ્સ સહિતના પગલાંઓ લઈને અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવી રહી છે.
સુરત જિલ્લામાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે નુકસાન પામેલા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને સહાય માટે સર્વે અને સહાય વિતરણની કામગીરી વેગવાન બનાવાઈ છે. સુરત જિલ્લાના ૦૯ તાલુકામાં ૫૪ ટીમો અને નગરપાલિકા તથા મહાનગરપાલિકા મળી ૧૪ ટીમો એમ કુલ ૬૮ ટીમો દ્વારા સર્વેની કામગીરી તેજ ગતિથી ચાલી રહી છે. ૪૮૯ ક્ષતિગ્રસ્ત આંશિક પાકા મકાનો અને ૩૫૭ આંશિક કાચા મકાનોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં માંડવી તાલુકામાં આંશિક રીતે ક્ષતિગ્રસ્ત થયાં હોય તેવા કાચાપાકા મકાનોનો સર્વે કરી ૧૦૧ મકાનોને રૂ.૦૩ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે અન્ય વિસ્તારોમાં સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે.
પશુ સહાય અંતર્ગત ઓલપાડમાં ૦૪ અને માંગરોળમાં ૦૧ મળી કુલ પાંચ પશુઓના મૃત્યુ અંતર્ગત પશુપાલકોને સહાય આપવામાં આવશે. જ્યારે બે જેટલા પશુ માટેના શેડને નુકસાન થયું છે. ઘરવખરીનું નુકસાન થયું હોય એવા ૧૩ મકાનોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500