સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ ગામમાં આંબેડકર સોસાયટીમાં રહેતા આધેડના ઘરમાં તેની સાવકી પુત્રીએ જ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. માતા-પિતાની ગેરહાજરીમાં દીકરીએ ઘરમાં મુકેલા સોનાના 4.10 લાખના દાગીના કબાટમાંથી ચોરી કરી તેના મિત્રને આપી દીધા હતા અને 3 મહિના બાદ આ વાતની પિતાને જાણ થતા તેઓએ આ મામલે અમરોલી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમરોલી પોલીસે યુવતી અને તેના મિત્ર સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી કોસાડ ગામ રોહિતવાસમાં આંબેડકર નગર સોસાયટી રોહિતવાસમાં રહેતા કમલેશભાઇ લલ્લુભાઇ ચૌહાણ (ઉ.વ.53)ની પ્રથમ પત્નીના અવસાન બાદ તેઓએ એક પુત્રીની માતા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેની પત્ની અને સાવકી પુત્રી ધૃતિ સાથે જ રહેતા હતા. ગત તારીખ 22/5/2021ના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં કમલેશભાઇ અને તેની પત્ની કામ અર્થે બહાર ગયા હતા ત્યારે ધ્રુતિએ તેના મિત્ર વિશાલભાઇ જયદીપભાઇ બારીયા (રહે.રાજપુત ફળીયુ,કોસાડ ગામ,અમરોલી) ને ઘરે બોલાવ્યો હતો. ધ્રુતિએ ઘરના કબાટમાં મુકેલા 17.520 ગ્રામની સોનાની ચેઇન, 23.150 ગ્રામની સોનાની ચેઇન, 1.46 લાખનું 32.15 ગ્રામ વજનનું સોનાનુ મંગળસુત્ર, 40 હજારનું 15.790 ગ્રામનું સોનાનુ મંગળસુત્ર, 30 હજારની ત્રણ સોનાની વીટી, 65 હજારની 11.530 ગ્રામની સોનાની બુટી અને બીજી એક 4.600 ગ્રામની બુટ્ટી આમ કુલ મળી 4,10,215/- રૂપિયાના ઘરેણાં વિશાલને આપી દીધા હતા.
આ વાતની જાણ કમલેશભાઇને થતા તેઓએ ઘરમાં પૂછપરછ કરતા ધ્રુતિએ ઘરેણાં તેના મિત્રને આપ્યા હોવાની કબૂલાત કરી હતી. જોકે બાદમાં વિશાલ સાથે કમલેશભાઇએ ટેલિફોનિક વાત કરતા તે દાગીના આપી જશે તેવું કહ્યું હતું. પરંતુ આ વાતને 3 મહિના બાદ પણ દાગીના પરત ન આપતા આખરે કમલેશભાઇએ ધૃતિ સામે અને તેના મિત્ર વિશાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500