સુરતના વેડરોડ વાળીનાથ ચોક પાસે રાધાશ્યામ સોસાયટીમાં એક મકાનના બીજા માળે બંધ રૂમમાં જુગાર રમતા છ જુગારીને ચોકબજાર પોલીસે ઝડપી પાડી રોકડા રૂપિયા 2.57 લાખ અને 7 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 3.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જુગારીઓ વિરુદ્ધ માસ્ક નહીં પહેરી સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કર્યાનો ગુનો પણ નોંધી કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચોકબજાર પોલીસને મળેલી બાતમીના આધારે સાંજે 6 વાગ્યાના અરસામાં વેડરોડ વાળીનાથ ચોક પાસે રાધાશ્યામ સોસાયટી પ્લોટ નંબર-એફ-15 તથા 16ના બીજા માળે બંધ રૂમમાં છાપો મારતા ત્યાં જ રહેતા રાજેશભાઇ ભુદરભાઇ ભલગામડીયા(ઉ.વ.42), અશોક વાલજીભાઇ પટેલ(ઉ.વ.35, રહે.ઉમીયાધામ રોડ,સુરત), જીતુભાઇ શાંતુભાઇ સોંડાગર(ઉ.વ.49, રહે.પુણાગામ,સુરત), રમણભાઇ ખીમજીભાઇ પટેલ(ઉ.વ.47, રહે.વેડરોડ,સુરત), ઉમેશસિંહ અજ્જુભાઇ સોલંકી(ઉ.વ.48, રહે.કોઝવે સર્કલ-પાસે,સુરત) તથા કિશોરભાઇ જીણાભાઇ જેઠવા(ઉ.વ.58, રહે.જહાંગીરપુરા,સુરત) જુગાર રમતા મળ્યા હતા.
પોલીસને તેમની પાસેથી રોકડા રૂપિયા 2.57 લાખ અને રૂપિયા 60,500/-ની કિંમતના 7 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 3,17,500/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તેમના વિરુદ્ધ જુગાર અંગેની કાર્યવાહી ઉપરાંત તેઓ માસ્ક વિના અને સોશ્યલ ડિસ્ટન્સ વિના ત્યાં એકત્ર થયા હોય તેના ભંગ અંગેનો પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500