બારડોલીના સાંકરી ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર બે મહિના બંધ રહ્યા બાદ શુક્રવારથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે. આ સાથે જ મંદિર અંતર્ગત આવતા તમામ હરિ મંદિરોમાં પણ ભક્તો દર્શન કરી શકશે.
કોરોનાની બીજી લહેર આવતા જ સરકારી ગાઈડલાઇન મુજબ એપ્રિલ માસમાં સાંકરી સ્થિત સ્વામિનારાયણ મંદિર તેમજ તેના અંતર્ગત આવતા અન્ય હરિ મંદિરો દર્શન માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાતા અને સરકારી નિયંત્રણ પણ હળવા થતાં શુક્રવારથી મંદિર દર્શન માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાંકરી સ્વામિનારાયણ મંદિરના સાધુ પુણ્યદર્શનદાસ (કોઠારી સ્વામી)ના જણાવ્યા મુજબ 18મી જૂન 2021, શુક્રવારથી સાંકરી મંદિર તથા મંદિર અંતર્ગત આવતા તમામ હરિમંદિરો દર્શનાર્થીઓ માટે સવારે 8.00 થી બપોરે 12.00 અને સાંજે 4.00 થી 7.00 વાગ્યા દરમ્યાન ખુલ્લા રહેશે.
ભક્તોને દર્શને આવતી વખતે મંદિર પ્રશાસન દ્વારા ખાસ સૂચના પણ જારી કરવામાં આવી છે. જેમાં પરિસરમાં પ્રવેશ કરતાંની સાથે જ સરકાર અને BAPS સંસ્થાએ આપેલા નિયમોનું પાલન કરવું, માસ્ક પહેરવું અને દર્શન કરી પરિસરમાંથી તરત વિદાય લેવા જેવી સૂચનાઑ આપવામાં આવી છે. એટલું જ નહીં મંદિરમાં ભોજન વ્યવસ્થા અને ઉતારા હાલ પૂરતા બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે પ્રેમવતી કેન્ટીન, થાળ ભેટ અને બુકસ્ટોલ ખુલ્લા રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500