સુરત શહેરના ગોલવાડ ખાતે રહેતા અનિલભાઈ રાણા તેમની પત્ની મીનાક્ષીબેન સાથે તા.9મી નવેમ્બરના રોજ સવારે મોપેડ ઉપર મહુવા ખાતે આવેલ વિઘ્નેશ્વર દાદાના મંદિરે દર્શને જઈ રહ્યા હતા તે સમયે બારડોલી હાઇવે પર એક અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત થતા મીનાક્ષીબેન મોપેડ પરથી નીચે પડી જતા તેમને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. તાત્કાલિક તેમને બારડોલીમાં આવેલ સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જયાં તા.10મીના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
જોકે ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મીનાક્ષીબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. તેમના પરિવારે સંમતિ દર્શાવતા SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, બંને કિડની HLA મેચિંગ પછી SOTTO દ્વારા ફાળવવામાં આવશે. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં મહેસાણાના રહેવાસી 41 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું.
જયારે કિડની અને લિવર સમયસર રોડમાર્ગે અમદાવાદ પહોંચાડવા માટે સુરત INS હોસ્પિટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક/પ્રમુખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500