સુરતનાં માંગરોળ તાલુકાનાં મોસાલી ચોકડી નજીક ચાર શખ્સોએ હોટલના માલિકને માર મારતા ચકચાર મચી ગઈ હતી. જયારે રાત્રિનાં સમયે હોટલ માલિક દુકાન પર હાજર હતો તે સમયે ત્રણ શખ્સો ત્યાં દુકાન પર આવી કહેવા લાગ્યા હતા કે, ‘ચમચાગીરી કેમ કરે છે’ તેમ કહી ઢીક મુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને હોટલ માલિક ફરિયાદ આપવા જતાં એક શખ્સે તેને ફોન ઉપર ધમકી આપી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરુચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં નવાગામ કરારવેલ ખાતે રહેતા મહમદ આબીદ સલીમ ગોરી કે, જેઓ માંગરોળ તાલુકાનાં મોસાલી ચોકડી ખાતે ખેતલાબાપા નામની હોટલ ચલાવી ગુજરાન ચલાવે છે તેમજ રાત્રિના 9:30 વાગ્યાની આસપાસ હોટલમાં હાજર હતા.
તે સમયે અહમદ યુસુફ દીવાન (રહે.વસરાવી, મંગરોળ), અસરફ રફીક માંજરા (રહે.મોસાલી, માંગરોળ) તથા અબ્દુલ માંજરા (રહે.મોસાલી,માંગરોળ) નાઓ કારમાં બેસી હોટલ ઉપર આવ્યા હતા અને ત્યાં હાજર મહમદ ગોરીને કહેવા લાગ્યા હતા કે, ચમચાગીરી કેમ કરે છે તેમ કહી મહમદને ઢીક મુક્કીનો માર મારવા લાગ્યા હતા અને ચા બનાવવાનો ચમચો પીઠના ભાગે મારી દીધો હતો અને લોકટોળું એકત્ર થતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ત્યારબાદ આ ત્રણેય કારમાં બેસી ભાગી છૂટ્યા હતા. તેમજ મહમદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જતાં તેમના સાળાના મોબાઈલ ફોન ઉપર ઈરફાન યુસુફ દીવાને ફોન કરી ધમકી આપી હતી. બનાવ અંગે મહમદ ગોરીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં આ ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500