સુરતનાં કામરેજ તાલુકાનાં વેલંજા ગામે શગુન રેસિડન્સીમાં આવેલ ઓફિસમાં હાજર બિલ્ડરને કારમાં આવેલ ચારથી શખ્સોએ લાકડી તેમજ હોકી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. જોકે પૈસાની લેતી દેતીના મામલે યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જયારે યુવાને વ્યાજ સહિત રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વધુ પૈસાની માંગણી કરી માર મારવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત શહેરના મોટા વરાછા ખાતે રોયલ રેસિડન્સીમાં રહેતા પ્રફુલભાઈ ભગવાનભાઈ કાથરોડીયા કે જે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. જોકે તેઓ ગત તા.15 મે નારોજ તેઓ કામરેજ તાલુકાનાં વેલંજા ખાતે રંગોલી ચોકડી નજીક આવેલ શગુન રેસિડન્સીમાં પોતાની ઓફિસ ઉપર હાજર હતા.
તે સમયે એક એસક્રોસ કારમાં તેમના મિત્ર મનીષ કનુભાઈ કચ્છી (રહે.પૂણા ગામ,સુરત) તથા કેતન ગજેરા (રહે.મોટાવરાછા,સુરત) સહિત બીજા ત્રણેક શખ્સો તેમની પાસે આવ્યા હતા અને ઓફિસનું શટર બંધ કરી કહેવા લાગ્યા હતા કે, પૈસા આપો નહીં તો તને મારી નાંખવાનો છે તેમ કહી આ વ્યક્તિઓએ પ્રફુલભાઈને લાકડી તેમજ હોકી વડે મારમારી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે વર્ષ 2012માં પ્રફુલભાઈએ કઠોર ગામે આવેલ બ્લોક નંબર 328 વાળી તેમની માલીકીની જમીનમાં રેસિડન્સી બાંધવાનું આયોજન કર્યું હતું.
આ પ્રોજેકટમાં મનીષ કચ્છી તથા કેતન ગજેરાને પાર્ટનર રહેવા જણાવ્યુ હતું અને આ પ્રોજેકટમાં મનીષભાઈએ 30 લાખ રૂપિયા આપ્યા હતા જ્યારે કેતન ગજેરાએ 9 લાખ રૂપિયા આપ્યા હતા. રેસિડન્સીનું બાંધકામ પૂર્ણ થયા બાદ મકાનોનું વેચાણ ન થતાં નુકશાન થયું હતું. જેથી મનીષ અને કેતને રૂપિયાની માંગણી કરતાં પ્રફુલભાઈએ આ બંનેને વ્યાજ સાથે રૂપિયા ચૂકવી દીધા હતા. બે મકાનનો દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. તેમછતાં આ બંને વ્યક્તિઓ વધારે પૈસા કઢાવવા માટે પ્રફુલ પાસે રૂપિયાની માંગણી કરી હુમલો કર્યો હતો. પ્રફુલભાઈને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500