સુરતનાં માંડવી તાલુકાનાં સઠવાવ ગામેથી તસ્કરો બાઇક અને મોબાઈલ ફોનની ચોરી કરી ગયા હતા. જયારે રાત્રિના સમયે ઘરના આંગણામાં બાઇક પાર્ક કરી હતી તેમજ ઘરની બહાર આવેલ પ્લગમાં મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો જેથી મોબાઈલ ફોન અને બાઇક મળી તસ્કરો રૂપિયા 43 હજારની ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવીનાં સઠવાવ ગામે ભાથી ફળિયામાં રહેતા હસમુખભાઈ માનીયાભાઈ ચૌધરી કે જેઓ સોનગઢ તાલુકાનાં ગોપાલપુરા ગામે આવેલ ઉ.બુ.આશ્રમ શાળામાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે.
જોકે તેઓ ગત તા.18 એપ્રિલના રોજ તેમના પુત્રના લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ તેઓ તા.20 એપ્રિલના રોજ તેમની બાઇક નંબર જીજે/19/એક્યૂ/3153 ઘરના આંગણામાં પાર્ક કરી હતી અને તેમના દીકરાની વહુ સાથે આવેલ છોકરીએ તેનો મોબાઈલ ફોન ઘરના ઓટલા પર આવેલ પ્લગમાં મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો.
જોકે રાત્રિના સમયે હસમુખભાઈ ઘરના ઓટલા ઉપર ખાટલામાં સૂઈ ગયા હતા. ત્યારબાદ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ઉઠીને જોતાં મોબાઈલ ફોન અને બાઇક જોવા મળી ન હતી. જેથી કોઈ અજાણ્યા તસ્કરો બાઇક અને ફોન મળી 43 હજારની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે હસમુખભાઈએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500