સુરતનાં પલસાણા ખાતે એક યુવકે અને તેના મિત્રોને કેટલાક શખ્સોએ મારમારી હવામાં ફાયરિંગ કરી રોકડા રૂપિયા 12,000/-ની લુંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. જોકે આ ઘટનામાં પલસાણા પોલીસે 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે પૈકી 7 આરોપીઓને સુરત ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમે માંખીંગા ગામની સીમમાં મીઢોળા નદી કિનારે આવેલ ખેતરમાંથી ઝડપી પાડ્યા હતા, જ્યારે બાકીનાં 4 આરોપીઓને પલસાણા પોલીસે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળે હતું.
આમ, પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી 2 મોપેડ તેમજ મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 98 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા ખાતે કાલાઘોડામાં સચિતાંનંદ મિલમાં ડ્રોમ ખાતામાં છેલ્લા 7 વર્ષીથી નોકરી કરતા સોનુ રામઅવધ શર્મા (ઉ.વ.23, હાલ રહે.108 સત્યમ કોમ્પ્લેક્ષ સી.એન.જી.પંપની બાજુમાં પલસાણા, મૂળ રહે.ગંગાનગર ગલી. નંબર 13 થાના ગંગાઘાટ તા.ઉન્નઆવ,જિ.કાનપુર) નાઓ રવિવારે મોડી રાતે મિત્ર રાજુ વર્માની દીકરી લાડલીના જન્મ દિવસમાં હાજરી આપવા મિત્ર તૈકિર ઇસરાર ખાન સાથે પોતાની મોટરસાયકલ નંબર જીજે/19/બીએફ/3637 લઈ ગયા હતા.
જ્યારે મળસ્કે 2 વાગ્યા દરમિયાન સોનું મોટરસાયકલ પર મિત્ર તૌકિર ખાનને તેના ઘરે પ્રવેશ પાર્કમાં નાગરાજ ભાઈની બિલ્ડિંગમાં મુકવા ગયો ત્યારે કેટલાક શખ્સોએ આ યુવાનો સાથે ઝગડો કરી મારમારી હવામાં ફાયરિંગ કરી રોકડા રૂપિયા 12 હજારની લુંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. જે ઘટનામાં પલસાણા પોલીસે 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તે દરમિયાન સુરત જિલ્લા એલસીબી પોલીસની અલગ અલગ ટીમોએ સીસીટીવી ફૂટેજ ચકાસી આ વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે એલસીબી પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળતા તેઓ માંખીંગા ગામની સીમમાં મીઢોળા નદીના કિનારે આવેલ એક ખેતરમાં પહોંચ્યા હતા અને ખેતરમાં સંતાયેલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
જોકે તેમની પાસેથી સુઝુકી એક્સેસ નંબર જીજે/26/એસ/2274 અને એક્ટિવા નંબર જીજે/19/બીબી/7839 તથા 4 નંગ મોબાઈલ તેમજ રોકડા 3 હજાર મળી કુલ રૂપિયા 98 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓનો કબ્જો પલસાણા પોલીસને સોંપવામાં આવ્યા હતા, જ્યારે બીજી તરફ આ ગુનામાં સંડોવાયેલ અન્ય 4 આરોપીઓને પલસાણા પોલીસે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500