વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કેસો સુરતમાં ઓછા થઈ રહ્યા છે જોકે કોરોના સુરતનો છેડો મૂકતો નથી. ઉધના વિસ્તારની સ્કૂલના બે વિદ્યાર્થીઓ આજરોજ પોઝિટિવ આવતા મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થઇ જવાની સાથે તંત્ર માટે ચિંતાનો વિષય બનવા પામ્યો છે.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ, સુરતમાં સતત કોરોનાના કેસ ઓછા થતા સ્કૂલ ધીમે-ધીમે પુર્વવત શરૂ થઈ રહી છે. ધોરણ-6થી ઉપરના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ થઇ રહી છે ત્યારે ઉધનાની એક સ્કૂલના ધોરણ-9ના બે વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તંત્ર અને વાલીની ચિંતામાં વધારો થયો છે.
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં આવેલી લિયો સનગ્રેસ સ્કૂલના ધોરણ-9ના બે વિદ્યાર્થીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાલિકા દ્વારા સ્કૂલમાં નહીં તે માટે સતત ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ઉધનાની સ્કૂલના ધોરણ-9માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીનો રેપિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. એક તરફ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે ત્યારે સ્કૂલમાં ધોરણ-9ના બે વિદ્યાર્થી પોઝિટિવ આવતા પાલિકા તંત્ર ચોંકી ઉઠયું છે. સુરત મહાનગર પાલિકાએ તકેદારીના ભાગરૂપે સ્કૂલને સાત દિવસ માટે બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે.
સરકાર દ્વારા સ્કૂલ શરૂ કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ પણ પ્રત્યક્ષ અભ્યાસ માટે તૈયાર થઈ રહ્યા છે. જોકે, મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓમાં માંડ 24 ટકા વાલીઓએ પ્રત્યેક્ષ શિક્ષણ માટે મંજૂરી આપી છે. દરમિયાન ઉધનાની સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા વાલીઓની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના કેસ અનેક નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે ત્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તંત્ર પણ ચિંતામાં મુકાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500