એમ.ડી.ડ્રગ્સ કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચે નાર્કોટીક્સ એક્ટના ભંગના ગુનામાં જેલભેગા કરેલા ભાવનગરવાસી આરોપીએ કરેલી 15 દિવસના વચગાળાના જામીનની માંગને નાર્કોટીક્સ કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ કૃત્તિ સંજય ત્રિવેદીએ નકારી કાઢી છે.
સુરત ક્રાઈમ બ્રાંચે વર્ષ-2020માં આરાપી વિજય નટુભાઈ ડોડીયા(રે.અમર સોસાયટી, કુંભારવાડા, ભાવનગર )ને કુલ 1011.82 ગ્રામ મેફેડ્રેનના ડ્રગ્સના ગેરકાયદે જથ્થા સાથે ઝડપી નાર્કોટીક્સ એક્ટના ભંગ બદલ જેલભેગો કર્યો હતો.છેલ્લાં બે ત્રણ વર્ષોથી નાર્કોટીક્સ એક્ટના ભંગના ગુનામાં જેલવાસ ભોગવતા 35 વર્ષીય આરોપી વિજય ડોડીયાએ પોતે કોટક મહીન્દ્રા બેંકમાંથી લીધેલી લોન તથા ક્રેડીટ કાર્ડના હપ્તા છેલ્લાં બે વર્ષથી ભર્યા ન હોઈ હપ્તા રીટર્ન થતા હતા.
જેથી બેંકના સત્તાધીશો આરોપીના ઘરવાળાને પરેશાન કરતા હોઈ બેક લોનના હપ્તા ભરવા નાણાંકીય વ્યવસ્થા કરવા આરોપીએ 15દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી કિશોર ખૈરનારે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.આરોપીના પરિવારના સભ્યો પિતા તથા ભાઈ પણ આરોપીના ક્રેડીટ કાર્ડ લોનના નાણાંની વ્યવસ્થા કરી શકે તેમ છે.આરોપીની હાજરી જરૃરી નથી. કોર્ટે આરોપી વિજય ડોડીયાના વચગાળાના જામીનની માંગને નકારી કાઢી આરોપીની વર્તણુંક જોતા નાસી ભાગી જાય તેવી સંભાવનાનો નિર્દેશ આપ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500