રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગુરૂકુળના વિદ્યાર્થીઓએ રાજ્યપાલશ્રીનું સંગીત વાદ્યોથી ભવ્ય સ્વાગત કર્યું હતું. ગુરુકુળના સભાખંડમાં આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રીના હસ્તે સિટીઝનશિપ એંગેજમેન્ટ અને સ્વચ્છ ભારત મિશન, મિશન સુરત ફર્સ્ટ અંતર્ગત સુરત શહેરના સ્વચ્છતાના કર્મયોગીઓ, પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા દક્ષિણ ગુજરાતના ખેડૂતો, સમાજ સેવકો, ઉદ્યોગકારોનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતુ કે, સ્વામિનારાયણ ધર્મના અલગારી સંતો નાની વયે ભગવા વસ્ત્રો ધારણ કરી સમાજને શિક્ષિત અને દીક્ષિત બનાવવાનો યજ્ઞ કરી રહ્યા છે. ઈશ્વરની પ્રાપ્તિ ત્યારે જ સંભવ છે, જ્યારે અન્યના કષ્ટને દૂર કરવા અને માનવમાત્રની ભલાઈ માટે જીવનને હોમી દેવામાં આવે. સ્વામિનારાયણ સંતોએ આ જ પ્રકારે શિક્ષણ સંસ્થાઓ સાથે શિક્ષણ અને સમાજસેવાની આહલેક જગાવી છે.
ભૌતિક યુગમાં ગુરૂકુળ પરંપરાની ખૂબ આવશ્યકતા હોવાનું જણાવી દેવવ્રતજીએ કહ્યું કે, ગુરૂકુલ એટલે મોટું કુળ. પરિવારના નાના કુળમાંથી બહાર લાવી મોટા કુળમાં મોકલવામાં આવે ત્યારે બાળકને ગુરૂવર્યો આદર્શ નાગરિક બનાવવા માટે જ્ઞાનના પ્રકાશથી દીક્ષિત કરે છે એમ જણાવી તેમણે મહાન વ્યક્તિના લક્ષણો વર્ણવ્યા હતા, પ્રાણી માત્રમાં સમાનતા અને દયાભાવનું દર્શન થાય એ મહાન વ્યક્તિનું લક્ષણ છે. અન્યના ઘાવને પોતાના હૃદયની ઋઝૂતાનો મલમ લગાડે અને શાંતિ આપે એ જ મહામાનવ કહેવાય છે. બિલ્ડીંગો, નદીનાળા, રોડ રસ્તા જેવી ભૌતિક સુખ સુવિધાઓ બનાવવાથી નહીં, પણ માનવ નિર્માણથી જ રાષ્ટ્રનિર્માણ સંભવ બને છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ હોવાનું જણાવતા ઉમેર્યું કે, કીટનાશકો, ફળફળાદિથી આપણો આહાર દૂષિત થયો છે. ગૌ આધારિત ખેતીથી ઝેરમુક્ત આહાર મળશે, ખેતી ખર્ચ ઘટતા ખેડૂતોની આવકમાં આપોઆપ મોટો વધારો થશે. જેમ સૌ કોઈને પ્રાકૃતિક ખેતી કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ અવસરે સ્વામિનારાયણ ગુરૂકુલના મહંતશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ગુરૂકુળ એ વિદ્યા, સદ્દવિદ્યા અને બ્રહ્મવિદ્યાનું સંગમસ્થાન છે. સંસ્કાર અને વિદ્યાનું મિલન ગુરૂકુળમાં થતું હોય છે, વિદ્યાર્થીને સર્વાંગ સંપૂર્ણ બનાવવામાં ગુરૂકુળ પરંપરા મહત્વનો ભાગ ભજવે છે. માનવીને પશુતામાંથી માનવતાની દિશામાં અગ્રેસર કરવામાં ગુરૂકુલોનો મહત્વનો ફાળો રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
આ પ્રસંગે મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાની, શ્રી ગુરૂકુળના શ્વેતવૈકુંઠદાસજી સ્વામી, પ્રભુ સ્વામી, સેવક સ્વામી, શ્રીહરિ ગ્રુપના ચેરમેન રાકેશ દુધાત, ઉદ્યોગઅગ્રણીશ્રી લાલજીભાઈ પટેલ, સહિત સંતગણ, ગુરૂકુળના શિક્ષકગણ, ભકતગણ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500