સુરત શહેરના અઠવા લાઇન્સ ખાતે આવેલ એમટીબી કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં શ્રીજીની સ્થાપના કરીને ગણેશોત્સવની પરવાનગી માંગવામાં આવી હતી. જોકે, સત્તાધીશો દ્વારા આ પરવાનગી આપવાનો ઇન્કાર કરી દેવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ આવેદન પાઠવીને કોલેજ કેમ્પસમાં દુંદાળા દેવની સ્થાપના કરવા સાથે મહોત્સવની ઉજવણી કરવાની માંગ કરવામાં આવી હતી.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા કોવિડ -૧૯ની ગાઇડ લાઇનના પાલન સાથે ગણેશોત્સવની પરવાનગી આપવામાં આવી છે. જેને પગલે શ્રદ્ધાળુઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો છે. આ દરમ્યાન શહેરના અઠવા લાઇન્સ ખાતે આવેલ એમટીબી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ કોલેજ કેમ્પસમાં શ્રીજીની સ્થાપના સાથે ગણેશોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા વિવિધ કારણોસર વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસમાં ગણેશોત્સવના આયોજનનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો.
આ સંદર્ભે આજરોજ અખિલ ભારતી વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા આવેદન પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી હતી કે, હાલના સમયમાં કોરોના જેવી મહામારી સામે સમગ્ર દેશ લડી રહ્યા છે ત્યારે આ ભયંકર મહામારીથી દેશ બહાર આવે તે માટે ગણપતિની સાધનાના ઉદ્દેશ્ય સાથે શ્રીજીની સ્થાપના કરવા સંદર્ભે રજુઆત કરવામાં આવી છે. જોકે, કોલેજના સત્તાધીશો દ્વારા આ સંદર્ભે વિરોધ કરવામાં આવતાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઇ રહી છે. જેથી ગણપતિ ઉત્સવ માટે પરવાનગી આપવા માટે અને જવાબદાર વિરૂદ્ધ યોગ્ય પગલાં લેવા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500