સુરતના પલસાણાના તાતીથૈયા સ્થિત ડાઇંગ મિલમાં કાપડ ડાઇંગ કરાવી રૂપિયા 8.27 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વિના રીંગરોડ સોમેશ્વર ટેક્ષટાઇલ માર્કેટના પિતા-પુત્ર દુકાન બંધ કરી ફરાર થઈ જતા મીલના મેનેજરે પિતા-પુત્ર અને સોનીયા પ્રિન્ટસની પ્રોપ્રાયટર ધીરજની પત્ની વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના પલસાણાના તાતીથૈયા સ્થિત ભાસ્કર સીલ્ક મીલ્સ પ્રા.લી.ની ઓફિસ સુરતમાં રીંગરોડ જશ માર્કેટમાં આવેલી છે. કુંભારીયા ગામ શ્રીહરી રેસીડેન્સીમાં રહેતા 37 વર્ષીય મહેન્દ્ર હનુમાન પ્રસાદ પારીક મિલમાં મેનેજર તરીકે નોકરી કરે છે.વર્ષ 2018માં તેમની ઓફિસે પિતા નરેશ જૈનઅ અને તેમનો પુત્ર ધીરજ(રહે.વેસુ,સુરત) આવ્યા હતા અને પોતે રીંગરોડ સોમેશ્વર ટેક્ષટાઇલ માર્કેટમાં ધીરજની પત્ની સોનીયાના નામે સોનીયા પ્રિન્ટસ ધરાવે છે તેમ કહ્યું હતું. તેમણે સમયસર પેમેન્ટ આપવાની વાત કરતા મહેન્દ્રભાઈએ વેપાર શરૂ કર્યો હતો. પિતા-પુત્ર જે કાપડ મીલ ઉપર મોકલતા તે ડાઇંગ કરી મહેન્દ્રભાઈ તેમના વેપારીઓને મોકલી આપતા હતા. પિતા-પુત્રએ શરૂઆતમાં પેમેન્ટ સમયસર કરી વિશ્વાસ કેળવ્યો હતો.
ત્યારબાદ 20ઓગષ્ટ થી 20ઓક્ટોબર 2020ના સમયકાળ દરમિયાન પિતા-પુત્રએ કાપડ ડાઇંગ કરાવી રૂપિયા 8.27 લાખનું પેમેન્ટ ચૂકવ્યુ નહોતું અને પોતાની દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે મહેન્દ્રભાઈએ કરેલી ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે પિતા-પુત્ર અને સોનીયા પ્રિન્ટસની પ્રોપ્રાયટર ધીરજની પત્ની સોનીયા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500