જહાંગીરાબાદ અંબાવાડી ખાતે રહેતા ખેડુતની રાંદેર ગામમાં આવેલ જમીનનો ચાર કરોડમાં સોદો કરી બાના પેટે રૂપિયા ૭૫ લાખ આપ્યા બાદ ઓલપાડના મલેક પિતા-પુત્ર સહિત ચાર જણાએ પાવર ઓફ એટર્ની, સાટાખત અને એમઓયુમાં ચેડા કરી સોદો કરેલ જમીનની સાથે બાજુના સર્વે નંબરનો પણ ઉલ્લેખ કરી પચાવી પાડી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પોલીસે ખેડુતની ફરિયાદ લઈ ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રાંદેર પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, જહાંગીરાબાદ આંબાવાડી ખાતે રહેતા ખેડુત ઠાકોર મંછાભાઈ પટેલ તેની રાંદેર ગામમાં આવેલ જમીનનો સન-૨૦૧૪માં આરોપી ઈરફાન હાજી મલેક (ઉ.વ.૫૮), તેનો પુત્રમોહમદ ફરહાન મો.ઈરફાન મલેક (ઉ.વ.૩૦), ભાઈ મો.શોયેબ હાજી મલેક (ઉ.વ.૫૩, ત્રણેય રહે.હાજરા પેલેસ સરસ રોડ,ઓલપાડ) અને તેના ભાગીદાર મો.હનીફ રહીમ પાનવાલા (ઉ.વ.૬૫, રહે. રંગ અવધુત સોસાયટી રામનગર રાંદેર) સાથે રૂપિયા ૪ કરોડમાં સોદો કર્યો હતો. જેમાંથી આરોપીઓએ બાના પેટે રોકડા ૭૫ લાખ આપ્યા હતા. ઠાકોરભાઈએ જમીન અંગે પાવર ઓફ એટર્ની, સાટાખત, એફીડેવીટ, અને એમ.ઓ.યુ કરી આપ્યા હતા.
દરમિયાન આરોપીઓએ ઠાકોરભાઈની અન્ય જમીન ઉપર દાનત બગાડી હતી અને નક્કી કરેલ જગ્યાના દસ્તાવેજમાં ચેડા કરી તેની બાજુમાં આવેલ જમીનના સર્વે નંબરોનો પણ સાટાખતમાં ઉલ્લેખ કરી દીધો હતો. આ અંગે ઠાકોરભાઈ પટેલને જાણ થતા તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ રાંદેર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી પી.આઈ.એ આરોપીઓ ભાગી નહી જાય તે પહેલા તેમની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના પીએસઆઈએ સ્ટાફના માણસો સાથે ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500