સુરત કામરેજ રોડ પાસોદરા ખાતે આવેલ સિધ્ધી વિનાયક ગ્રીન નામના પ્રોજેક્ટના બિલ્ડર રાજુ દેસાઈ વ્યાજે લીધેલા ચાર કરોડની સામે છ કરોડ ચુકવી દીધા હોવા છતાંયે બિટકોઈન ફ્રેમ શૈલેષ ભટ્ટે વધુ રૂપિયાની ઉઘરાણી કાઢી વસુલાત કરવા માટે તેની સાઈટ ઉપર હથિયારો સાથે ભાડુથી ગુંડાઓ બેસાડી કબ્જા કરવાના કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓએ કોર્ટમાંથી આગોતરા જામીન લઈને ગતરોજ હાજર થતા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી જામીન ઉપર મુક્ત કર્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, નાના વરાછા ગાર્ડન ગેટ એપાર્ટ્મેન્ટમાં રહેતા અને કન્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા રાજુભાઈ રવજીભાઈ દેસાઈનો લકસાણાના પાસોદરા રોડ ખાતે સિધ્ધી વિનાયક ગ્રીનના નામે પ્રોજેક્ટ આવેલો છે. રાજુભાઈએ આ પ્રોજેકટ માટે પૈસાની જરૂરીયાત ઉભી થતા શૈલેષ બાબુલા ભટ્ટ (રહે.વેસુ) અને વિજય શાંતીલાલ ખોખરીયા પાસેથી ચાર કરોડ દોઢ ટકાના વ્યાજે લીધા હતા જેતે સમયે ત્રણ મહિનાના એડવાન્સમાં વ્યાજ પેટે ૩૦ લાખ કાપી લીધા હતા. ત્યારબાદ બે મહિના પછી શૈલેષ ભટ્ટે ચાડા ચાર ટકાના વ્યાજે પૈસાની વસુલાત કરવાની શરૂઆત કરી હતી. જોકે, રાજુભાઈએ ટુકડે-ટુકડે કરી ચાર કરોડની સામે છ કરોડ ચુકવી દીધા હતા છતાંયે ખોટો હિસાબ કરી વધુ પૈસાની માંગણી કરી પૈસા કઢાવવા માટે રાજકોટના ગોંડલના રીબડા ગામના અનિરુધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ઉર્ફે અનિરુધ્ધસિંહ રીંબડાને કામ સોપ્યું હતું. અનિરુધ્ધસિંહ રીંબડાએ પૈસા કઢાવવા માટે તેના માણસોને રાજુ દેસાઈની પીપોદરા ખાતેની સિધ્ધી વિનાયક ગ્રીનની સાઈટ પર હથિયારો સાથે બેસાડી કબ્જો કર્યો હતો અને કબ્જા ખાલી કરવાના બદલામાં ૩૩ કરોડની માંગણી કરી હતી. આ અંગે રાજુ દેસાઈએ પોલીસમાં ફરિયાદ કરતા અનિરુધ્દસિંહ રીબડાએ રૂપિયા ૧૦ હજારના પગારે હથિયારો સાથે બેસાડેયાલ ભાડુતી ગુંડાઓને ઝડપી પાડ્યા હતા.
બનાવ અંગે સરથાણા પોલીસએ બીટકોઈન ફ્રેમ શૈલેષ ભટ્ટ, વિજય ખોખરીયા, અનિરુધ્ધસિંહ રીબડા સહિત આઠ જેટલા આરોપીઓ સામે અલગ-અલગ બે ગુનાઓ દાખલ કર્યા હતા, દરમિયાન આ કેસમાં નાસતા ફરતા પૈકી જયદીપ ઉર્ફે જયલો ઉફે જયેશ કોળી રામજી ચૌહાણ (રહે.સાબરલપુર,જુનાગઢ), સોહીલ ઉર્ફે કાકુડ મહેબુબહાલા (ઉ.વ.૨૧, રહે.લાખાપીરની દરગાહ પાસે સુખનાદ ચોક,જુનાગઠ), રાજેશ ઉર્ફે રાજુ અશરફ લીંગડીયા (ઉ.વ.૨૫, રહે.સાબલપુર, જુનાગઢ) અને સલીમ યુસુફ નારેજા (ઉ.વ.૩૨, રહે.આલાનગર રામજેવપુરા શક્કરબાગ, જુનાગઢ) ગતરોજ કોર્ટમાંથી આગોતરા જામીન લઈને હાજર થતા ક્રાઈમ બ્રાન્ચે તમામની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500