રાજ્ય સરકારે અભ્યાસ અર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓને કોવિડ-૧૯ વેકસીનમાં અગ્રતા આપવા અંગે કરેલી જાહેરાતના અનુસંધાને સુરત જિલ્લા પંચાયત દ્વારા સુરતના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે તા.૭મી જૂનથી ઈચ્છાપોર ખાતે વેક્સીનેશન શરુ કરવામાં આવનાર છે. સુરત જિલ્લાના વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ કે જેઓએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે, અને બીજા ડોઝના નિયત સમય પહેલા વિદેશ જવાનું હોય તેઓને ઈચ્છાપોર આરોગ્ય કેન્દ્ર,ખડી મહોલ્લો, ઈચ્છાપોર ગામ ખાતે સોમથી શનિવાર દરમિયાન સવારે ૯:૩૦ થી સાંજે ૫:૦૦ વાગ્યાના સમયગાળામાં વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે, તેમજ રસીકરણ અંગેનું સર્ટિફિકેટ આપવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, વિદ્યાર્થીના વિદેશ જવાની નક્કી થયેલ તારીખ પહેલાના ૧૦ દિવસની અંદર રસીકરણ કરવામાં આવશે. પ્રથમ ડોઝ લીધા બાદ ૨૮ દિવસ પૂર્ણ થયા હોય અને ૮૪ દિવસ પૂર્ણ થયા ના હોય તેવા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવશે.
વિદ્યાર્થીઓએ જરૂરી પૂરાવા સાથે રાખવા. જેમાં (૧) પ્રથમ ડોઝ લીધા અંગેનું કોવિન એપ મારફતે PartialVaccination પ્રમાણપત્ર (૨) આઇ-૨૦ અથવા DHS-૧૬૦ (૩) કોલેજ અથવા યુનિવર્સિટીનો એડમિશન લેટર (૪) ઓળખ માટે આધાર અથવા વોટીંગ કાર્ડ/સરકારમાન્ય ઓળખ પત્ર/પાસપોર્ટ (૫) જે-તે દેશના માન્ય વિઝા (૬) પાસપોર્ટ રજૂ કરવા. ચકાસણી અર્થે ઓરીજનલ તથા સ્વપ્રમાણિત કરેલ એક નકલ આપવાની રહેશે એમ જિલ્લા કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500