Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : પુણા કુંભારીયા અને સણિયા હેમાદમાં પાંચથી દસ ફુટ પાણી ભરાતા જનજીવન ખોરવાયું : પાણી ફરી વળતા પાલિકા અને ફાયર બિગ્રેડ દોડતુ થયું

  • June 30, 2023 

સુરત જિલ્લાના બારડોલી અને કામરેજ તેમજ તાપી જિલ્લાના વ્યારા, વાલોડ અને સોનગઢમાં ભારે વરસાદના પગલે ત્યાંથી પાણી સીધુ સુરતની મીઠી ખાડીમાં ઠલવાતા સુરત નજીકના સણિયા હેમાદ, પુણા કુંભારીયા અને લિંબાયતમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા હતા. પુણા કુંભારીયા અને સણિયા હેમાદમાં તો પાંચથી દસ ફુટ પાણી ભરાતા જનજીવનને વ્યાપક અસર પડી હતી. આ પૂરના કારણે પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ હતી. સુરત શહેરમાં ઉકાઇ ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદ પડે તો સુરત શહેરમાં પુર આવવાનો ખતરો છે. જયારે સુરત શહેરની આજુબાજુના તાલુકા, બારડોલી, કામરેજ, પલસાણા કે પછી મીંઢોળા નદીના કેચમેન્ટમાં જો ભારે વરસાદ પડે તો ખાડી પૂરનો ખતરો રહે છે.



જેમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ જે ધબધબાટી બોલાવી હતી. તેમાં બારડોલીમાં દસ ઇંચથી વધુ વરસાદ પડયો છે. આ સિવાય કામરેજ તાલુકામાં પણ સાત ઇંચથી વધુ વરસાદ ખાબકયો છે. જયારે વ્યારા તાલુકાના સોનગઢ, વાલોડ, વ્યારામાં પણ દેમાર વરસાદના પગલે આ તમામ તાલુકાનું પાણી સીધુ સુરતની મીઠી ખાડીમાં ઠલવાયુ હતુ. જેના કારણે મીઠી ખાડીને અડીને આવેલ સણિયા હેમાદ ગામમાં ગત રાત્રીથી જ પાણી ભરાવવાની શરૂઆત થઇ હતી. આખી રાત પાણી ભરાવાની શરૂઆત થયા બાદ આજે દિવસના પાણીનું સ્તર વધતા ગામમાં પાંચથી દસ ફુટ પાણી ભરાતા જનજીવન ખોરવાયુ હતુ.



સણિયા હેમાદથી લઇને પુણા કુંભારીયા અને લિંબાયતના કેટલાક વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળતા પાલિકા અને ફાયર બિગ્રેડનું તંત્ર દોડતુ થયુ હતુ. આ તમામ વિસ્તારોમાં ફાયર બિગ્રેડની ટીમે સતત વોચ રાખી હતી. કેટલાક નીચાણવાળા ઘરોમાં પણ પાણી ભરાયા હતા. આ ત્રણેય વિસ્તારોમાં અવરજવર બંધ થઇ ગઇ હતી. નીચાણવાળા ઘરોમાં પાણી ફરી વળતા લોકોને અસર પડી હતી. જોકે વરસાદ બંધ થતા જ ધીરે ધીરે પાણી ઓસરી જતા રાહત અનુભવાઇ હતી. આજે પાણી ભરાયા હોવા છતા સ્થળાંતર કરાયુ ના હતુ. સ્થિતિ કંટ્રોલમાં હોવાનું પાલિકાના સુત્રો જણાવે છે. જોકે પ્રથમ વરસાદમાં જ પાલિકાના પ્રિ-મોન્સુનની પોલ ખુલ્લી પડી ગઇ હતી. અને મીઠીખાડીના પુર સણિયા હેમાદ, પુણા કુંભારીયા અને લિંબાયતના કેટલાક વિસ્તારોમાં ફરી વળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application