સુરત શહેરના કામરેજ નજીક ચાર રસ્તાથી કામરેજ ગામ તરફ જતાં રોડ પર હાલ ગટરલાઇનની કામગીરી ચાલી રહી છે. રોડના કિનારે ગટરલાઇન માટે ખોદકામ કરવાથી બીએસએનએલના લેન્ડલાઇન ફોનના કેબલ ગટરના પાઇપ નજીકથી પસાર થતાં હોય તે કપાય ન જાય તે માટે કામરેજ બીએસએનએલ ઓફિસના જુનિયર ટેલિકોમ ઓફિસર ધનવંત વસાવા કોન્ટ્રાકટરના માણસો સાથે સ્થળ પહોંચ્યા હતા અને કેબલ બચાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. મજૂરો જીતેન્દ્ર ગામિત, દિલિપ વસાવા અને કમલેશ વસાવા ગટરલાઇનના ખાડામાં ઉતરી સમારકામ કરી રહ્યા હતા.
તે સમય દરમિયાન વાયર નહીં ખેંચી શકાતા અધિકારી ધનવંત વસાવા પણ તેમની મદદ માટે નીચે ખાડામાં ઉતર્યા હતા. તેઓ કામ કરી રહ્યા હતા તે સમયે રોડ પરથી કોઈ ભારે વાહન પસાર થવાથી ગટરલાઇનના કોન્ટ્રાકટર દ્વારા રોડ પર નાખવામાં આવેલી માટી ધસી પડતાં ચારેય જણા દબાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો તેમજ બીએસએનએલ નો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવમાં ધનવંત વસાવા, દિલિપ વસાવા અને કમલેશ વસાવાને હાથ અને પગમાં ઇજા થતાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. જ્યારે જીતેન્દ્ર ગામિતને વધુ ઇજા હોય સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે જાણ થતા જ કામરેજ પોલીસ સ્થળ આવી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500