સુરત શહેરમાં કોરોનાની વેક્સીન લીધા બાદ એક યુવકનું શંકાસ્પદ મોત નિપજતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. લિંબાયત ખાતે યુવકે બે દિવસ પૂર્વે કોવિડ-19ની વેક્સીન લીધી હતી. ત્યારબાદ તેની તબિયત લથડતાં યુવક મોતને ભેટ્યો હતો.
નવી સિવિલથી મળેલી માહિતી અનુસાર, લિંબાયત ખાતે નિલગીરી સર્કલ પાસે શ્રીનાથ સોસાયટીમાં રહેતા અને એમ્બ્રોઇડરી ખાતામાં નોકરી કરતા 30 વર્ષીય હેમંત સતીષ પાટીલે બે દિવસ પહેલા કોરોનાની વેક્સીન લીધી હતી. ત્યારબાદ તેને હાથમાં અને શરીરમાં દુઃખાવો શરૂ થયો હતો. જોકે, ગતરોજ રાત્રે તેના પેટમાં સખત દુખાવો શરૂ થયો હતો જેથી આજરોજ સવારે તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે તેના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. જેના લીધે ત્યાં ભારે હોબાળો થયો હતો.
નવી સિવિલ ખાતે હેમંતનુ પોસ્ટમાર્ટમ કર્યા બાદ ડોકટરે જણાવ્યું હતું કે, તેનું હૃદય રોગનો હુમલો આવવાથી મોત થયુ હોવાની શક્યતા છે પણ હકીકત તેના લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી તેના મોતનું સાચુ કારણ જાણવા મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500