પાંડેસરા વિસ્તારમાં રહેતા બાળકને એક દિવસ અગાઉ સામાન્ય તાવ આવ્યો હતો. તાવ આવ્યા બાદ બાળકને હાથ-પગમાં દુખાવો ઉપાડતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતાની સાથે જ પાંડેસરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકનું અચાનક કઇ રીતે મોત થયું તે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, બાળકના પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં આવેલ ક્રિષ્ણાનગર સોસાયટીમાં રાહુલ શર્મા પરિવાર સાથે રહે છે. રાહુલ શર્મા પાંડેસરા વિસ્તારમાં જ આવેલ ડાઈંગ મિલમાં હેલ્પર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમને ત્રણ સંતાન પણ છે. જે સંતાનો પૈકી ૧૧ વર્ષીય શુભમ હજુ થોડા દિવસો પહેલા જ બિહારથી સુરત આવ્યો હતો અને ગત તા.૦૨ સપ્ટેમ્બરના રોજ શુભમને અચાનક જ તાવ આવી ગયો હતો. જેથી તેની માતાએ તેને દવા આપી હતી. શુભમે દવા લીધા બાદ તેને તાવ ઉતારી ગયો હતો. જોકે, ગતરોજ તાવે ફરી ઉથલો માર્યો હતો જેથી બપોર બાદ તેની તબિયત વધુ લથડી હતી અને સાંજે તે કુદરતી હાજતે ગયા બાદ તેને હાથ પગમાં દુખાવો ઉપાડ્યો હતો. જેથી વહેલી સવારે રાહુલભાઇ શુભમને લઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા.
જોકે, ફરજ પર હાજર તબીબોએ શુભમને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ પાંડેસરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, ગતરોજ લીંબાયત નીલગિરિ વિસ્તારમાં એક યુવકને અચાનક પેટમાં દુખાવો બાદ ઝાડા-ઊલટીની ફરિયાદ સાથે સિવિલ લવાતાં મૃત જાહેર કરાયો હતો. મૃતક હેમંત પાટીલે બે દિવસ પહેલાં કોરોનાની વેક્સિન લીધા બાદ હાથમાં દુખાવો શરૂ થઇ ગયો હોવાનું તેના ભાઇ મહેન્દ્રએ કહ્યું હતું. હાલ તો બંને બનાવમાં મોતનું સાચું કારણ સામે આવ્યું નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500